હિંમતનગરના કડોલીના વાંઘા કોતરના ખરાબા વિસ્તારમાં બુધવારે બપોર બાદ કહોવાઈ ગયેલી હાલતમાં લાશ મળતાં પોલીસને જાણ કરાઇ હતી અને થોડી જ વારમાં લાશની ઓળખ પણ થઈ ગઈ હતી. પોલીસે લાશના ફોરેન્સિક પીએમ માટે તજવીજ હાથ ધરી મૃતકના ગુમ થવા અંગે પોલીસને જાણ કરનાર શખ્સ સહિત ત્રણ શખ્સોની પૂછપરછ શરૂ કરી હતી.
કડોલીના વાંઘા કોતર વિસ્તારમાં બાવળિયાના ઝૂંડમાંથી બુધવાર બપોરે દુર્ગંધ મારવાને કારણે લાશ મળતાં પોલીસને જાણ કરાતાં રૂરલ પોલીસ, એલસીબી, એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતક ઇલોલમાં પેરિસ સલુન ધરાવતો અકબર અબ્દુલ સલામ અહમદ (30) (મૂળ રહે.તીર્થપુર બીજનોર યુપી) હોવાની ઓળખ થઈ હતી.
ઇલોલના અગ્રણી નિઝામભાઈએ જણાવ્યું કે મૃતક અકબર અબ્દુલ સલામ છેલ્લા ચાર પાંચ વર્ષથી ઇલોલમાં દુકાન ભાડે રાખીને સલુન ચલાવતો હતો અને થોડા સમય અગાઉ તેનો અકસ્માત થતાં અન્ય લોકોને સલુન સોંપી યુપી ગયો હતો અને ત્રણ ચાર મહિના બાદ ગત શુક્રવારે પરત આવ્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર શુક્રવારે જ મૃતક ગુમ થઈ ગયો હોવા અંગે જાણ કરાઈ હતી. એલસીબી પીઆઇ અનિરુદ્ધસિંહ રાઠોડે જણાવ્યું કે બોડી ડિકમ્પોઝ સ્થિતિમાં મળી છે ઇજા, મોતનું કારણ વગેરે માટે તપાસ હાથ ધરાઈ છે.ત્રણ શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરાઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.