ચૂંટણી:હિંમતનગર અને પ્રાંતિજ વિધાનસભા બેઠક પર ઠાકોર ક્ષત્રિય મતદારોનો વર્ષોથી દબદબો

હિંમતનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર બેઠક પર કુલ 2.80 લાખ મતદારો પૈકી 79,000 મતદાર ઠાકોર, ક્ષત્રિય અને રાજપૂત જ્યારે પ્રાંતિજ વિધાનસભા બેઠક પર 2.77 લાખ કુલ મતદાર પૈકી 1.28 લાખ ઠાકોર ક્ષત્રિય મતદારો
  • આ ચૂંટણીમાં ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક એસ.ટી અનામત અને ઈડર બેઠક એસસી અનામત

સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પૈકી હિંમતનગર અને પ્રાંતિજ બેઠકો સામાન્ય બેઠકો છે. બંને બેઠકો પર ઠાકોર ક્ષત્રિય મતદારોનો દબદબો છે. જેને પગલે રાજકીય પક્ષો દ્વારા ઠાકોર ક્ષત્રિય ઉમેદવારોની પસંદગી સ્વાભાવિક બની રહે છે. પરંતુ ચૂંટણીના ભણકારા વાગતાની સાથે જ સામાજિક અને જ્ઞાતિ સમીકરણ અનુકૂળ ન હોય તેવા દાવેદારોને પ્રોત્સાહન આપી સંભવિત સક્ષમ ઉમેદવારોના વિરોધી બનાવી દેવાનો ખેલ શરૂ થઈ ગયો હતો અને હવે જ્યારે ઉમેદવારની પસંદગીનું આખરી ચરણ શરૂ થઈ ગયું છે ત્યારે તેની અસરો પણ જોવા મળવી શરૂ થઈ ગઈ છે.

ખેડબ્રહ્મા બેઠક એસ.ટી અનામત અને ઈડર બેઠક એસસી અનામત છે. હિંમતનગર અને પ્રાંતિજ બેઠકો સામાન્ય છે. ચૂંટણીના પરિણામો વિકાસની વાતો વચ્ચે મહદંશે જ્ઞાતિ સમીકરણ ઉપર જ આધારિત રહે છે. હિંમતનગર બેઠક પર કુલ 2.80 લાખ મતદારો પૈકી 79,000 મતદાર ઠાકોર ક્ષત્રિય અને રાજપૂત છે 48,000 થી વધુ પાટીદાર મતદાર છે અને 41 હજાર લઘુમતી મતદાર છે. જ્યારે ઈત્તર ઓબીસી મતદારની સંખ્યા 70 હજાર જેટલી થવા જાય છે તેવી જ રીતે પ્રાંતિજ બેઠક પર 2.77 લાખ કુલ મતદાર પૈકી 1.28 લાખ ઠાકોર ક્ષત્રિય 41,000 પાટીદાર 20,000 દલિત અને 11,000 લઘુમતી તથા 60 હજારથી વધુ ઈત્તર ઓબીસી મતદાર છે.

જ્ઞાતિ મુજબ મતદારના આંકડા બંને બેઠક પર ઠાકોર ક્ષત્રિય ઉમેદવારની તરફેણમાં ઈશારો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ઘણા સમય અગાઉ આ સમીકરણને ધ્યાનમાં રાખી નિર્મલસિંહ પરમારના નામની જાહેરાત કરી દેવાઈ હતી હિંમતનગર અને પ્રાંતિજ બેઠક પર જિલ્લા સંગઠન દ્વારા પણ જ્ઞાતિ સમીકરણને અનુસરવાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. પરંતુ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થતાની સાથે જ બે માસ અગાઉથી એક્ટિવ બનાવી દીધેલી ગેમ પ્લાન પ્રકાશમાં આવી ગયો છે. જ્ઞાતિ સામાજિક સમીકરણ સાથે અનુકૂળ ન હોય તેવા દાવેદારોને આક્રમક બનાવી દેવાયા છે

અને સમગ્ર દોરી સંચાર પાછળ સંભવિત ઉમેદવારોના વિરોધી બનાવી દેવા સુધીનો તખ્તો તૈયાર કરી દેવાયો છે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો પણ હવે ખુલીને ચર્ચા કરવા માંડ્યા છે કે ભાજપના ભસ્માસૂરો જ ભાજપને હંફાવી રહ્યા છે વિરોધીઓની જરૂર જ ક્યાં છે.આવી જ સ્થિતિ કોંગ્રેસમાં પણ પેદા થઈ છે ગત ચૂંટણીમાં ભાજપને ટક્કર આપનાર કોંગ્રેસના ઉમેદવાર કમલેશ પટેલને ફરી એકવાર તક મળતાં ઠાકોર ક્ષત્રિય સમીકરણને લઈ અન્ય ઉમેદવાર પણ પોતાનો મજબૂત દાવો રજૂ કરી રહ્યા છે

અને શનિવારે લઘુમતી અગ્રણીઓ પણ તેમની સાથે જોડાઈ કોંગ્રેસે કરેલ ટિકિટ ફાળવણી મામલે જોરદાર વિરોધ કર્યો હતો. રાજકીય વિશ્લેષકોના મતે વર્તમાન સ્થિતિ જોતા ભાજપનું સારું નરસું જે કંઈ પણ થાય તે ભાજપના જ ભસ્માસુરોને આભારી રહેશે અને નુકસાન થશે તો માત્ર ભાજપને જ થવાની સંભાવના છે કારણ અન્ય પક્ષોને કંઈ ગુમાવવાનું નથી.

બંને બેઠકોનું જ્ઞાતિ સમીકરણ સંખ્યા સાથે

હિંમતનગર બેઠક ઉપર કુલ 2.80 લાખ મતદારો

ઠાકોર-ક્ષત્રિય:79000
પાટીદાર:48000થી વધુ
લઘુમતિ :41,000
ઈત્તર-ઓબીસી70,000
દલિત :32000

​​​​

પ્રાંતિજ બેઠક પર કુલ 2.77 લાખ મતદારો

ઠાકોર ક્ષત્રિય :1.28 લાખ
પાટીદાર :41,000
દલિત :20,000
લઘુમતિ :11,000
ઈત્તર-ઓબીસી65000

પાટીદાર સંમેલન બાદ OBC મતદારોના ધ્રુવીકરણનો પ્રારંભ
હિંમતનગરમાં શનિવારે સાંજે યોજાયેલ કડવા પાટીદાર સ્નેહમિલન કાર્યક્રમ બિન રાજકીય હોવાની વાતો વચ્ચે ઓબીસી ઈત્તર સમાજમાં સીધા રાજકીય પ્રત્યાઘાત પડ્યા છે. કોંગ્રેસે કડવા પાટીદાર ઉમેદવારની પસંદગી કર્યા બાદ મતોનું ધ્રુવીકરણ થવાની સંભાવના ની ચર્ચાઓ વચ્ચે ઓબીસી ઈત્તર જ્ઞાતિના અગ્રણીઓએ એકધારી પર આવવાનું શરૂ કર્યાનું જાણવા મળ્યું છે. આ વખતની ચૂંટણીમાં નવી ચર્ચાએ જોર પકડ્યું છે કે 14 થી 18 ટકા હિસ્સો ધરાવતી જ્ઞાતિઓ રાજકીય પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે ઓબીસી ઈત્તર મતદારોએ પણ એક મંચ પર આવી નાક દબાવવાની પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા પ્રયાસ કરવો જરૂરી બની રહ્યો છે. જાણવા મળી રહ્યા મુજબ આગામી ટૂંક સમયમાં ઓબીસી ઈત્તર સમાજના મતદારો પણ એક કાર્યક્રમ યોજવા આયોજન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...