તલાટીઓ હડતાલ પર ઉતરશે:સાબરકાંઠા જિલ્લાના તલાટી કમ મંત્રી આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાલ પર, DDO અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

સાબરકાંઠા (હિંમતનગર)11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પડતર પ્રશ્નોનુ નિરાકરણ ન આવતા આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાલ પર જવાનો આદેશ

સાબરકાંઠા જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના હોદ્દેદારોએ સોમવારે જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટરને આવેદનપત્ર આપી આવતીકાલે મંગળવારથી અચોક્કસ મુદતની હડતાલનું એલાન કર્યુ છે.

આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાલ પર જવાનો આદેશ
આ અંગે આવેદનપત્રમાં સાબરકાંઠા જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ હર્ષવર્ધનસિંહ કે. કુંપાવત, મહામંત્રી ચિરાગભાઇ બારોટ સહિતના હોદ્દેદારોએ જણાવ્યુ હતુ કે ગુજરાત રાજય તલાટી મંત્રી મહામંડળ દ્વારા 2018થી સતત લેખિત રજૂઆત કરવા છતા રાજય સરકાર દ્વારા પડતર પ્રશ્નોનુ કોઇ યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યુ નથી. અગાઉ 07/09/2021ના રોજ હડતાલનુ એલાન કર્યુ હતું. પરંતુ એ સમયે રાજ્ય સરકાર દ્વારા ટુંક જ સમયમાં પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવવાની બાહેંધરી આપી હતી. જેથી હડતાલ મોકુફ રાખવામાં આવી હતી. પરંતુ આજ સુધી તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નોનુ નિરાકરણ ન આવતા આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાલ પર જવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના તમામ તલાટી કમ મંત્રીઓ આદેશનુ ચુસ્ત પણે પાલન કરશે
વધુમાં જણાવાયું હતું કે તલાટી કમ મંત્રીઓ માત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત થતી કામગીરી તથા 13/08/2022થી 15/08/2022 સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણ માન સન્માન સાથે ફરકાવશે. સાબરકાંઠા જિલ્લા તલાટી કમ મંત્રી મંડળનો અન્ય આદેશ ન થાય ત્યાં સુધી સાબરકાંઠા જિલ્લાના તમામ તલાટી કમ મંત્રીઓ આદેશનુ ચુસ્ત પણે પાલન કરશે.

અન્ય સમાચારો પણ છે...