લમ્પી વાયરસ:હિંમતનગરમાં રખડતી ગાયમાં શંકાસ્પદ લમ્પી વાયરસ દેખાયો

હિંમતનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશુપાલન વિભાગે ગાયની સારવાર શરૂ કરી અન્ય પશુઓથી અલગ કરી

લમ્પી વાયરસે રાડ પડાવવાનું શરૂ કર્યું છે. ત્યારે હિંમતનગર શહેરમાં પણ એક રખડતી ગાયમાં લમ્પી વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતાં ખળભળાટ મચી જવાની સાથે પશુપાલન વિભાગ હરકતમાં આવી ગયો છે અને ગાયની સારવાર શરૂ કરી અન્ય પશુઓથી અલગ કરી દેવાઈ છે.

હાલમાં કચ્છ બ.કાં. સહિતના વિસ્તારોમાં લમ્પી વાયરસે માઝા મૂકતા સેંકડો ગૌધન લમ્પી વાયરસના ખપ્પરમાં હોમાયુ છે. ત્યારે હિંમતનગરમાં એક રખડતી ગાયમાં લમ્પી વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. સા.કાં. પશુપાલન અધિકારી ડો. જનક પટેલે વિગત આપતાં જણાવ્યું કે જિલ્લામાં 7.5 લાખ જેટલું પશુધન છે તે પૈકી સાડા ચાર લાખ જેટલા ગૌધનનો સમાવેશ થાય છે. અગાઉ સાબરડેરી દ્વારા 50 હજાર જેટલા ગૌધનને લમ્પી વાયરસની વેક્સિન અપાઈ હતી અને નવા 50 હજાર ડોઝ આવી ગયા છે.

હિંમતનગરમાં એક રખડતી ગાયમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા હોવા અંગે 1962 પર કોલ આવ્યા બાદ તેની તપાસ કરી પશુપાલન વિભાગને જાણ કરાતાં પશુ ચિકિત્સક દ્વારા ગાયની તપાસ કરી સારવાર શરૂ કરી દેવાઇ છે અને આ શંકાસ્પદ ગાયને અન્ય પશુઓથી અલગ કરી દેવાઇ છે. હિંમતનગરમાં એક શંકાસ્પદ કેસ મળતાં પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જોકે પશુપાલન અધિકારીએ લમ્પી વાયરસ સામે લડવામાં સ્થાનિક તંત્ર સજ્જ જોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...