ચાલુ વર્ષે મગફળીના ભાવ એકધારા 1100થી 1800 રૂપિયાની આસપાસ જળવાયેલા રહેતા સાબરકાંઠા જિલ્લામાં 1286 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા રજિસ્ટ્રેશન કરાવવા છતાં એક પણ ખેડૂત ટેકાના ભાવે મગફળી વેચવા ફરક્યો નથી. જ્યારે જિલ્લામાં ચાર માર્કેટ યાર્ડમાં 442 કરોડથી વધુની 5.89 લાખ ક્વિન્ટલ મગફળીની ખરીદી થઈ છે. છેલ્લા બે વર્ષથી મગફળીના ઉત્પાદન અને ભાવનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. ત્યારે સરકારે એમએસપી-ટેકાના ભાવ નવેસરથી નક્કી કરવાનો સમય પાકી ગયો છે. નોંધનીય છે કે બે વર્ષથી સૌરાષ્ટ્રમાં ઉત્પાદન ઘટ વરતાઇ રહી છે પરંતુ જે વર્ષે સૌરાષ્ટ્રમાં સારું ઉત્પાદન મળશે એ સિઝનમાં જિલ્લાના ખેડૂતો માટે ભાવની મોટી સમસ્યા સર્જાશે તે નક્કી છે.
સાબરકાંઠા જિલ્લામાં ખરીફ જણસની મુખ્ય પેદાશ મગફળીની વિવિધ માર્કેટયાર્ડમાં મબલખ આવક થતા છેલ્લા ત્રણ માસ દરમિયાન 5,89,342.20 કવીન્ટલ મગફળીની રૂ.1100થી 1825ના સરેરાશ ભાવે ખરીદી થઈ છે અને સરેરાશ રૂ.1450ના ભાવ પ્રમાણે રૂ. 442 કરોડથી વધુની મગફળીની ખરીદી કરવામાં આવી છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 4,53,296.55 કવિન્ટલ મગફળીની ખરીદી થઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં ગત વર્ષ જેટલું જ ખરીફ સિઝનમાં 76 હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. ગત ચોમાસામાં મગફળી માટે માફકસર વરસાદ થતાં ઉત્પાદન પણ મબલક થયું છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર સહિતના મગફળીનું વાવેતર કરતાં વિસ્તારોમાં અતિવૃષ્ટિને કારણે ખરીફ પાકને નુક્સાન જતા એકંદરે ઓછું ઉત્પાદન થતાં માંગ વધવાને કારણે સાબરકાંઠા જિલ્લામાં મગફળીનું વાવેતર કરનાર ખેડૂતોને સીધો ફાયદો થયો છે.
ઓક્ટોબર માસમાં મગફળીની ભરપૂર આવક શરૂ થતાની સાથે જ માંગ વધુ રહેતા અને બહારના વેપારીઓનો ધસારો રહેતા છેલ્લા ત્રણેક માસથી મગફળીની આવક ચાલુ રહેવા છતાં સરેરાશ ભાવ રૂ.1100થી 1700-1800 સુધી જળવાઈ રહ્યા છે. ઇડર માર્કેટયાર્ડમાં તો 24 નંબરના 1825 સુધીના ભાવ પડી ચૂક્યા છે. તદુપરાંત ચાલુ વર્ષે માર્કેટયાર્ડમાં ઓછા ભાવ મળવા સહિતના કારણોસર ખેડૂતોએ હોબાળો મચાવ્યો નથી. કેમ નુક્સાનની બૂમ ઉભી થવા પામી નથી.
માર્કેટયાર્ડ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 1 સપ્ટેમ્બરથી 14 ડિસેમ્બર દરમિયાન હિંમતનગર, ઇડર તલોદ અને ખેડબ્રહ્મા માર્કેટયાર્ડમાં કુલ 16,83,834 બોરી એટલે કે 5,89,342.20 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. ગત વર્ષે તા.1/09/21થી તા.14/12/21 દરમિયાન કુલ 7,58,926 બોરી એટલે કે 4,53,296.55 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી હતી. આંકડા જોતા ચાલુ વર્ષે મગફળીની સવાઈ આવક થવા છતાં ખેડૂતોને પ્રતિ મણ રૂ. 200થી 400નો વધુ ભાવ મળી રહેતા ખરીફ સિઝન પોષણક્ષમ બની રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હિંમતનગર માર્કેટયાર્ડમાં સૌથી વધુ 11,03,159 બોરીની ખરીદી થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.