ગ્રેડ પે મામલે રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ વર્ગ-3 ના આદેશથી કર્મચારીઓએ પોસ્ટ દ્વારા અભિયાન હાથ ધર્યું છે. જેમાં અરવલ્લીની 30 કરતાં વધુ આઇટીઆઇના કર્મચારીઓનું રૂ.4200 ગ્રેડ પે મામલે મુખ્યમંત્રી નાણામંત્રી અને રોજગાર મંત્રીને પોસ્ટકાર્ડ લખી અભિયાન શરૂ કરાયું છે. અરવલ્લી જિલ્લામાંથી એક જ દિવસમાં એક હજાર કરતાં વધુ પોસ્ટકાર્ડ રવાના કરાયા હતા.
અન્ય રાજ્યોની સરખામણીમાં ગ્રેડ-પે ખૂબ જ ઓછો
મોડાસા આઇટીઆઇના કર્મીઓએ જણાવ્યું કે સરકારની 500 આઇટીઆઇમાં ફરજ બજાવતા સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર અને આસિસ્ટન્ટ સ્ટોરકીપર વર્ગ-૩ ના ટેકનિકલ કર્મચારીઓનો હાલમાં ગ્રેડ-પે રૂ.2800 છે.જે અન્ય રાજ્યોની ITI ની સરખામણીમાં ખૂબ જ ઓછો હોવાનું મોડાસા આઇટીઆઇના આર.કે સરજી જણાવ્યું હતું.
ગ્રેડ-પે આપવાનો પત્ર પાઠવેલ છતાં અન્યાય
વધુમાં તેમણે જણાવ્યું કે ITI નું માળખું DGT દિલ્હી દ્વારા પૂરા દેશમાં સંચાલિત છે અને DGT એ દરેક રાજ્યોને રૂ.4600 ગ્રેડ-પે આપવા પત્ર પાઠવેલ છે. રાજ્યમાં સેકન્ડરી તથા હાયર સેકન્ડરી સ્કુલના શિક્ષકોને પણ રૂ.4200 ગ્રેડ-પે મળે છે. ITI ના કોર્સ ધો-10 પછીના હોય છે તેવા તાલીમાર્થીઓને તાલીમી શિક્ષણ આપતા સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરોને રૂા.2800 ગ્રેડ-પે મળે છે, તેને કર્મીઓએ અન્યાયકર્તા ગણાવ્યું હતું. રાજ્ય સરકારના અન્ય ખાતાઓમાં સમાન લાયકાત ધરાવતા કર્મચારીઓને પણ રૂ.4200 ગ્રેડ-પે અપાય છે.
આઇટીઆઇના કર્મીઓએ પોસ્ટકાર્ડ અભિયાન શરૂ કર્યુ
આ અન્યાય દૂર કરવા ITI ના ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ વર્ગ -3 દ્વારા આંદોલન શરૂ કરેલ છે. જેના ભાગરૂપે 6 જૂનના રોજ રાજ્યવ્યાપી પોસ્ટકાર્ડ અભિયાન શરૂ કરાતાં ITI-MODASA ના કર્મીઓએ 300 જેટલા પોસ્ટકાર્ડ મુખ્યમંત્રીને, નાણામંત્રીને અને શ્રમ-કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રીને રવાના કર્યા હતા. સાબરકાંઠાના આઇટીઆઇના કર્મીઓએ 1 દિવસમાં 300 જેટલા પોસ્ટકાર્ડ લખી પોસ્ટકાર્ડ અભિયાન શરૂ કર્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.