નોટીસ બાબતે TDOને રજૂઆત:ST કર્મચારીઓ અને વન વિભાગના રોજમદારોએ પડતર માંગણીઓને લઈને કલેકટરને આવેદનપત્ર આપ્યું

સાબરકાંઠા (હિંમતનગર)21 દિવસ પહેલા

સાબરકાંઠા જીલ્લામાં દરરોજ નવા મંડળો પોતાની માંગણીઓને લઈને આવેદનપત્ર આપી રહ્યાં છે. ત્યારે સોમવારે વન વિભાગના રોજમદારો અને એસટી વિભાગના કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. તો હડતાલ પર ઉતરેલા વીસીઈઓને ટીડીઓએ નોટીસ આપ્યા બાદ મંડળ દ્વારા સુત્રોચ્ચાર સાથે રજૂઆત કરી લેખિત જવાબ આપ્યો હતો.

વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ નહીં
હિંમતનગરમાં ટાવર ચોક પાસેના નગરપાલિકાના બગીચામાં સોમવારે ગુજરાત ફોરેસ્ટ પ્રોડ્યુસ ગેધરસ એન્ડ ફોરેસ્ટ વર્કસ યુનિયનના નેજા હેઠળ સાબરકાંઠા વન વિભાગના રોજમદારો પોતાની પડતર 10 માંગણીઓને લઈને એકઠા થયા હતા. સુત્રોચ્ચાર કરતા વન વિભાગના રોજમદારોની રેલી બહુમાળી ભવન પહોચી હતી જ્યાં કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સમાન વેતનની માંગણી સહીતની દસ માંગણીઓ વર્ષોથી પડતર છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવ્યો નથી. જેને લઈને સત્વરે આ માંગણીઓનો નિકાલ લાવવા માંગ કરી છે જો નિકાલ નહીં આવે તો ગાંધી ચીધ્યા માર્ગે ન્યાય મેળવવાની વાત કરી હતી.

નબળી કામગીરીને લઈને નોટીસ પાઠવવામાં આવી
સાબરકાંઠા જીલ્લાના આઠ તાલુકાની ગ્રામ પંચાયતોમાં 697 VCE ફરજ બજાવે છે. આ VCE પડતર માંગણીઓને લઈને 8 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. આ અંગે 5 સપ્ટેમ્બરે જાણ કરવામાં આવી હતી. બીજી તરફ હિંમતનગર તાલુકામાં 61 અને તલોદ તાલુકામાં 9 મળી 70 VCE ઓને નબળી કામગીરીને લઈને નોટીસ પાઠવવામાં આવી હતી. જેને લઈને ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત VCE મંડળને જાણ થયા બાદ સોમવારે મંડળના પ્રમુખ મનહરસિંહ ઝાલા, મહામંત્રી પંકજભાઈ પરમાર, જીલ્લા પ્રમુખ નરેન્દ્રસિંહ વાણીયા, હિંમતનગર પ્રમુખ શેતાનસિંહ સહીત મોટી સંખ્યામાં VCE એકઠા થઈને તલોદ તાલુકા પંચાયતમાં પહોચ્યા હતા.

તાલુકા મંડળ દ્વારા નોટીસ સામે લેખિત રજૂઆત
જ્યાં ટીડીઓ મળ્યા ન હતા જેને લઈને લેખિત જવાબ રજીસ્ટ્રીવિભાગમાં આપ્યો હોવાનું પ્રમુખ મનહરસિંહ ઝાલા, મહામંત્રી પંકજભાઈ પરમારે જણાવ્યું હતું. ત્યારબાદ હિંમતનગર તાલુકા પંચાયત કચેરી આગળ મોટી સંખ્યામાં વીસીઓએ એકઠા થઇ સુત્રોચ્ચાર કર્યા બાદ ટીડીઓ કચેરીમાં પહોચી ટીડીઓ મિલિન્દ દવેને મંડળના હોદ્દેદારોએ આપેલ નોટીસ અંગે રજૂઆત કરી હતી. હડતાલ હોવાને કારણે કામ નહીં કરીએ તેવી રજૂઆત નોટીસના જવાબમાં કરી હતી. ત્યારબાદ હિંમતનગર તાલુકા મંડળ દ્વારા નોટીસ સામે લેખિત રજૂઆત કરી હતી.

પડતર માંગણીઓ મુદ્દે કલેકટરને આવેદન
સાબરકાંઠા જીલ્લા મજદૂર સંઘ નેજા હેઠળ હિંમતનગર એસટી નિગમના રામજીભાઈ દેસાઈ, અશોકભાઈ રાવલ સહિતના કર્મચારીઓએ પડતર માંગણીઓ જેમાં ડ્રાઈવર અને કંડકટરના ગ્રેડ પે સુધારા, મોઘવારી ભથ્થું, પગાર ધોરણ સુધારો, સાતમા પગાર પંચનો લાભ, હક્ક રજાનું રોકડમાં ત્વરિત ચુકવણું, બોનસનો લાંભ, પાર્ટ ટાઈમ કર્મચારીઓને કાયમી કરવા સહિતની 11 પડતર માંગણીઓ સાથેનું અધિક કલેકટર દિગંત બ્રહ્મભટ્ટને આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...