સાબરકાંઠામાં વાતવરણમાં પલટો:છેલ્લા 24 કલાકમાં વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા; ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા

સાબરકાંઠા (હિંમતનગર)23 દિવસ પહેલા
  • કૉપી લિંક

કમોસમી વરસાદની આગાહીને લઈને સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વિવિધ વિસ્તારોમાં રાત્રી અને વહેલી સવારે દરમિયાન કમોસમી વરસાદના છાંટા પડ્યા છે. બીજી તરફ હોળી સામે છે અને ઘઉંનો ઉભો પાક તૈયાર છે. કાપણી ચાલે છે, વાતવરણ અને વરસાદના છાંટાએ ખેડૂતોના જીવ તાળવે ચોંટાડી દીધા છે.

કમોસમી વરસાદની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તો બીજી તરફ આકાશ વાદળોથી ઘેરાયું છે. તો સુરજદાદા પણ વાદળો સાથે સંતાકુકડી રમી રહ્યા છે. ભારે પવન પણ ફૂંકાય છે. બીજી તરફ શિયાળાની પૂર્ણતાના આરે ગરમીની શરૂઆત અને હોળીનો તહેવાર વચ્ચે વાતવરણમાં પલટો આવતા આકાશ ગોરંભાયું છે.

હિંમતનગરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઈને ભારે પવન ફૂંકાયા બાદ કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા. બીજી તરફ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં હિંમતનગર, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગરના કેટલાક વિસ્તારોમાં રાત્રી અને વહેલી સવાર દરમિયાન ક્યાંક કમોસમી વરસાદના છાંટા પડ્યા છે. જેને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે.

રવિ સિઝનમાં કરેલા વાવેતર હવે પાકી ગયા બાદ તેને ખેતરમાંથી લેવાનો સમય આવ્યો છે. ત્યારે જિલ્લામાં સૌથી વધુ ઘઉંનું વાવેતર થયું હતું. હવે હોળી પહેલા તેની કાપણી શરુ થઇ ગઈ છે. બીજી તરફ તેની પુળીઓ બનાવીને ખેતરમાં મૂકી છે અને ઘઉં કાઢવાની તૈયારી ખેડૂતોએ કરી છે, પરંતુ વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદના છાંટાને લઈને થ્રેસરમાં ઘઉં કાઢવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

હિંમતનગર નવા લાલાભાઈ, બલવંતપુરા દલપતસિંહ ઝાલા, ઘોરવાડા મનહરસિંહ રહેવરે જણાવ્યું હતું કે, એક તરફ હોળીનો તહેવાર છે, મજૂરો ઓછા છે, બીજી તરફ ઘઉંનો પાક તૈયાર છે, કાપણી શરુ કરી છે, પરંતુ વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઈને હવે કાપણી કરેલા ઘઉંમાં ભેજનું પ્રમાણ જોવા મળ્યું છે. જેથી ભેજ ઓછુ થાય ત્યારબાદ તેને થ્રેસરમાં કાઢી શકાય તેમ છે

અન્ય સમાચારો પણ છે...