હેરફેર પર પ્રતિબંધ:સાબરકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસના વધુ 8 કેસ નોંધાયા, પોશીના તાલુકામાં સૌથી વધુ 5 કેસ

હિંમતનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં એક પણ પશુનું મોત નહીં, જિલ્લામાં પશુઓની હેરફેર પર પ્રતિબંધ

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી લમ્પી વાયરસે માથુ ઉચકતા બુધવારે જિલ્લામાં વધુ 08 કેસ નોંધાયા હતા જેમાં પોશીના તાલુકામાં સૌથી વધુ 05 કેસ નોંધાયા હતા જિલ્લામાં કુલ 18 પશુઓમાં સંક્રમણ જોવા મળતા પશુપાલકોમાં ચિંતાનું વાતાવરણ પેદા થયું છે જોકે, રાહતની વાત એ છે કે અત્યાર સુધી એક પણ પશુમોત નોંધાયું નથી.

સોમવારે સાગમટે 10 કેસ નોંધાયા બાદ બુધવારે વધુ 08 કેસ નોંધાયા હતા. પશુપાલન અધિકારી ડો.જે.બી. પટેલે જણાવ્યું કે પોશીનામાં 05, હિંમતનગર, પ્રાંતિજ અને તલોદમાં એક-એક મળી કુલ 8 પશુમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતા સારવાર ચાલુ કરી દેવાઇ છે અને તમામ પશુઓને અન્ય પશુઓથી અલગ કરી દેવાયા છે.

તેમણે ઉમેર્યું કે સાબરડેરી દ્વારા બંને જિલ્લાના 13 વેટરનરી સેન્ટર પર 150 કર્મચારીઓની ટીમ સજ્જ રખાઇ છે અને છેલ્લા બે દિવસમાં 5806 પશુઓનું વેક્સિનેશન કરાયું છે તથા ગત વર્ષે પણ લમ્પી વાયરસ જોવા મળતા 35 હજારથી વધુ પશુઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. સા.કાં. કલેક્ટર હિતેશ કોયાએ લમ્પી સ્ક્રીન ડિસિઝ એક પશુમાંથી બીજા પશુમાં ઝડપથી ફેલાવાની ક્ષમતા રાખતો હોઇ અન્ય જિલ્લા કે રાજ્યોમાંથી સા.કાં.માં પશુલાવવા-લઈ જવા તથા જિલ્લાના એક તાલુકામાંથી બીજા તાલુકામાં પશુની હેરફેર ઉપર તા.17/08/22 સુધી પ્રતિબંધ લાદતુ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...