સાબરકાંઠાની આંગણવાડીઓને તાળા લાગ્યા:પડતર માંગણીઓને લઈને આજથી આંગણવાડીની અને તેડાઘરની બહેનો હડતાલ પર ઉતરી

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

વિધાનસભાની ચુંટણીઓ નજીકમાં છે ત્યારે રાજ્યમાં અલગ અલગ સંગઠનો પોતાની માંગણીઓને લઈને હડતાલ પર ઉતરી રહ્યા છે. તલાટીની હડતાલ પૂર્ણ થઇ છે, તો બીજી તરફ આરોગ્ય વિભાગની હડતાલના સમેટવા માટે સરકારે રચેલી કમિટીએ પ્રયત્નો કરી રહી છે. તો હવે રાજ્યમાં આંગણવાડી બહેનો મેદાને પડી છે અને પડતર માંગણીઓને લઈને આજથી હડતાલ પર ઉતરી ગઈ છે.

સાબરકાંઠા જીલ્લાની આંગણવાડીઓને આજથી તાળા લાગી ગયા છે. રોજ બાળકોના કોલાહલથી ગુંજતી આંગણવાડી આજે સુની ભાસતી જોવા મળી હતી. જીલ્લાના આઠ તાલુકામાં 1922 આંગણવાડીઓ આવેલી જેમાં 45 હજારથી વધુ બાળકો શિક્ષણ સાથે પોષણક્ષમ આહાર આપવામાં આવે છે. જેમાં 1914 આંગણવાડી કાર્યકરો અને 1859 તેડાઘર બહેનો આજથી 10 પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતરેલ છે.

જીલ્લાની તમામ આંગણવાડી બહેનોએ છ દિવસ પહેલા હડતાલ પર જવા અંગે નાયબ જીલ્લા વિકાસ અધિકારી અને જીલ્લા પ્રોગ્રામ ઓફિસરને આવેદનપત્ર આપી લેખિત જાણ કરી હતી. તો ગુરુવારે હડતાલ પર ઉતરેલ આંગણવાડી બહેનો આઠ તાલુકામાં સેજા પ્રમાણે નક્કી કરેલ સ્થળ પર એકઠી થઇ હતી.

આ અંગે સાબરકાંઠા આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખ મીનાબેન પરમારે જણાવ્યું હતું કે, અમારી 10 પડતર માંગણીઓને લઈને અમે આજથી હડતાલ પર ઉતર્યા છીએ અને માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આંગણવાડીમાં જઈશું નહીં. અમારે આંગણવાડીના 10 પ્રશ્નો છે જેમાં માનદવેતન દુર કરી સરકારી કર્મચારી જાહેર કરે, 45 વર્ષે પ્રમોશન છે તે પરિપત્ર રદ કરવાની માંગ સાથેની 10 પડતર માંગણીઓ માટે હડતાલ પર ઉતર્યા છીએ અને અગામી દિવસમાં ઉગ્ર અંદોલન કરીશું. તો ગુરુવારે આઠ તાલુકાના 1922 આગણવાડીના 77 સેજાની બહેનો નિયત સ્થળે એકઠી થઇ હતી. હિંમતનગરમાં વકતાપુર અને ઇડરમાં ગઢની તળેટીમાં ખોખાનાથ મહાદેવ મંદિરે આગણવાડી બહેનો એકઠી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...