રોષ:બેરોજગારી મામલે સાબરકાંઠા યુથ કોંગ્રેસનો રોજગાર કચેરીનો ઘેરાવ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી એકમોમાં 25 ટકા સ્થાનિક યુવાનોને રોજગારીના નિયમનું પાલન થતું નથી, 37 કાર્યકરોને પોલીસે ડિટેન કર્યા

સાબરકાંઠા યુથ કોંગ્રેસ દ્વારા શુક્રવારે બેરોજગારી મામલે જિલ્લાની રોજગાર કચેરીનો ઘેરાવ કરાયો હતો અને યુવાનોના રોજગાર અધિકારની લડાઇના પ્રથમ ચરણનો પ્રારંભ કરી રોજગારી મામલે તીખા પ્રશ્નો પૂછાયા હતા. કાર્યક્રમની અગાઉથી જાણ હોવાનો પગલે પહેલેથી જ હાજર પોલીસ ફાફલાએ 37 જેટલા કાર્યકરોને ડિટેન કર્યા હતા. પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા રોજગારીના યુવાનોના અધિકારની લડાઇ ઝૂંબેશના પ્રથમ ચરણમાં સા.કાં. યુથ કોંગ્રેસ દ્વારા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં મોટીસંખ્યામાં શુક્રવારે સવારે રેલી સ્વરૂપે રોજગાર કચેરી પહોંચી ઘેરાવ કરાયો હતો.

કોંગ્રેસના કાર્યક્રમની અગાઉથી જાણ હોવાને પગલે રોજગાર કચેરીમાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો અને પોલીસની હાજરીમાં બેરોજગારી મામલે તીખા પ્રશ્નો પૂછી જિલ્લામાં ખાનગી કંપનીઓમાં કેટલાક સ્થાનિક યુવાનોને કાયદાનુસાર રોજગારી મળી તેના ડેટા અધિકારી પાસે માંગવામાં આવ્યા હતા અને વિગતો પ્રાપ્ત ન થતા કાયદાનું પાલન કરાવવામાં સરકાર ઉદાસીન હોવાના ગંભીર આક્ષેપ કરી સૂત્રોચ્ચાર કરાયો હતો.

જેમાં જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દેવ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશ પટેલ, મહિલા પ્રમુખ જ્યોતિબેન દવે વગેરે રેલી સ્વરૂપે યુવાનોને ન્યાય આપો, યુવાનોને રોજગાર આપોના સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ લઇને રેલીમાં જોડાયા હતા. બી ડિવિઝન પીએસઆઇ એ.વી. જોષીએ જણાવ્યુ કે 37 કાર્યકરોને ડિટેન કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...