કોમન વેલ્થ ગેમ્સમાં મિરાબાઇ ચાનુએ ભારતને પ્રથમ સુવર્ણ ચંદ્રક અપાવી ભારતનું નામ દુનિયામાં ગુંજતુ કરી નારી શક્તિનો પરીચય આપ્યો છે. ત્યારે એથ્લેટીક્સ સાથે જોડાયેલા સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તાર પોશીના તાલુકાના કોલંદ ગામના 62 વર્ષીય શાંતાબેન સોમેશ્વર બુંબડીયા સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. 42મી નેશનલમાં માસ્ટર એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ ચેન્નઈ તમિલનાડુ ખાતે 27 એપ્રિલથી 1 મે 2022 દરમિયાન યોજાઇ હતી. જેમાં 62 વર્ષીય શાંતાબેન સોમેશ્વર બુંબળીયાએ 300 મીટર હડલ્સમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાત તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
62 વર્ષની ઉંમરે 26 વર્ષીયને હરાવી દે તેવો ઉત્સાહ
આપણે નારી વંદના ઉત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે શાંતાબેનની વાત અનેરો ઉત્સાહ પૂરો પાડે તેમ છે. શાંતાબેન 1986માં ફોરેસ્ટ વિભાગમાં જોડાયા તેમને રહેમરાહે આ નોકરી મળી હતી. તેમના પતિ ફોરેસ્ટ વિભાગમાં કામ કરતા હતા. તેમનું આકસ્મિક મૃત્યુ થવાથી શાંતાબેન પર આભ ફાટ્યું હતું. માત્ર 20 વર્ષની ઉંમરે બે બાળકો ખોળામાં અને એક બાળક પોતાના ઉદરમાં. એ પરિસ્થિતિની કલ્પના આપણને હચમચાવી મુકે છે. જેને આ જીવ્યું હોય તેની સ્થિતિ શું હોય? શાંન્તાબેન ને મળો તો જીવન કેવી રીતે જીવાય તે શિખવા મળે. ખુશ મિજાજી, શોખીન અને ખડતલ તંદુરસ્ત શરીર 62ની ઉંમરમાં પણ જાણે 26ના હોય તેવો જોશ છે.
એવું કોઈ રાજ્ય બાકી નથી જ્યાં શાન્તાબેન રમ્યા ન હોય
શાંન્તાબેન જણાવે છે કે, 2014માં પ્રથમ વખત તેમણે ફોરેસ્ટ વિભાગ તરફથી રમત માટે મોકલવામાં આવ્યા હતા. પ્રથમ પ્રયાસમાં તેઓ રમતમાં બોન્ઝ મેડલ જીત્યા હતા. આ મેડલે અને તકે તેમના જીવનની દિશા બદલી. શાંતાબેન કહે છે કે ભારતનું કોઈ એવું રાજ્ય બાકી નથી. જ્યાં હું રમતમાં ભાગ લેવા ગઈ ના હોવ કશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી અસમ દરેક રાજ્યોમાં અનેક રમતોમાં જેવી કે ગોળા ફેંક, ડીથ્રો, દોડ, હડલ દોડ, શોર્ટ ફૂડ, જ્વેલિંગ થ્રો વગેરે અનેક રમતોમાં અત્યાર સુધીમાં અનેક ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્સ મેડલ મેળવ્યો છે.
હું છેલ્લા શ્વાસ સુધી રમતી રહીશ
શાંન્તાબેન હાલમાં તેમનું નિવૃત જીવન જીવી રહ્યા છે. પરંતુ રમતમાં તેઓ હાલ પણ નાના બાળકની જેમ પ્રવૃત છે. રમત-ગમતમાં અનેક ટ્રોફીઓ, સર્ટિફિકેટ અને મેડલ મેળવી તેમણે સિધ્ધ કર્યું છે કે જો તમે ઇચ્છો તો કોઇ પણ ઉંમરે સફળતા મેળવી શકો છે. ત્રણ સંતાનોની માતા અને છ બાળકોની દાદી-નાની હોવા છતાં આટલા ચુસ્ત અને યુવા છે. તેઓ જાણાવે છે કે, હું તો છેલ્લા શ્વાસ સુધી રમતી જ રહીશ. શાંન્તાબેને પોતાના જીવનમાં અનેક ઉતાર ચઢાવ જોયા છે અનેક ઝંઝાવાતોનો સામનો કરી ત્રણ સંતાનોના ઉછેરમાં માતા-પિતાની બેવડી ભુમિકા ભજવી છે. હાલ તેઓ પોતાની નવી ઇનિંગમાં રમત ક્ષેત્રે કાઠુ કાઢી પોતાના જિલ્લા, રાજ્ય અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.