હિંમતનગર તાલુકા પંચાયતના સભાગૃહમાં સોમવારે વર્ષ 2023ની પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી સ્વ.હિરાબાને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. તો 300 વિકાસ કામોના વર્ક ઓર્ડર આપ્યા છતાં કામ નહિ થતા સદસ્યો સાથે ચર્ચા પણ કરાઈ હતી.
સ્થળ ઉપર રૂબરૂ જઇ ચકાસણી કરવા આદેશ
હિંમતનગર તાલુકા પંચાયતના પ્રમુખ વિનુ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ શ્રધ્ધાંજલિ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાને અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તાલુકા પંચાયત દ્વારા વર્ષ 2018માં લાભાર્થીઓને જે પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી. તે પ્લોટોની સ્થળ તપાસ કરવા રજૂઆત બાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તમામ તલાટીઓને સ્થળ ઉપર રૂબરૂ જઇ સ્થળ ચકાસણી કરવા માટેનો આદેશ કર્યો હતો.
૩૦૦ કામોના વર્ક ઓર્ડર છતા કામો પૂર્ણ કરવામાં ન આવ્યા
આ ઉપરાંત તાલુકા પંચાયતમાં મંજૂર થયેલા ૩૦૦ કામોના વર્ક ઓર્ડર આપ્યા બાદ પણ કામો પૂર્ણ કરવામાં ન આવ્યા હોવા અંગે પણ ચર્ચાઓ થઇ હતી. તો બીજી તરફ તાલુકા પંચાયત દ્વારા મનરેગાનું બજેટ મંજૂર કરવામાં આવતુ હોવા છતા પણ તે કયાં કારણોસર વાપરવામાં આવતુ નથી, તે અંગે કેટલાક સદસ્યોએ પ્રશ્નો ઉઠાવતા તેમણે જણાવ્યુ હતું કે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગાના બજેટ અંગે વહીવટી મંજૂરી મળતી ન હોવાથી મનરેગાના કામો મંજૂર કરી શકાતા નથી. 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજૂર કરાયેલા કામોને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગત સામાન્ય સભામાં કરવામાં આવેલા ઠરાવો તેમજ કાર્યવાહી અંગે સામાન્ય સભાને જાણ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.