હિંમતનગર શહેરના સરકારી જીન ચાર રસ્તા નજીક આવેલ મેડિસ્ટાર હોસ્પિટલના પાર્કિંગમાં થઈ રહેલ શંકાસ્પદ હિલચાલ તરફ ધ્યાન કેન્દ્રિત કરતાં શખ્સ બાઈકમાં કંઈક કરી રહ્યો હોવાનું અને તેની સાથેના ત્રણ શખ્સો આજુબાજુમાં ધ્યાન રાખી રહ્યા હોવાનું જોવા મળવા દરમિયાન એક બાઈકની લાઈટો અચાનક ચાલુ થતાં સિક્યુરિટીના માણસો દોડીને પાર્કિંગમાં પહોંચવા દરમિયાન ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હતા જ્યારે એક સગીરને કાંકણોલ રોડ પરથી ભાગવા દરમ્યાન ઝડપી લેવાયો હતો.
વાઈટ લાયન્સ સિક્યુરિટી એજન્સી ચલાવતા ધનરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે આ વિસ્તારમાં છેલ્લા એક માસમાં એક બાઈક ચોરી અને ટ્રેક્ટરમાંથી બેટરીની ચોરીની ઘટના બનતા માણસોને રાત્રિ દરમિયાન સાવચેત રહેવા સૂચના આપી હતી શનિવારે મળસ્કે 1:26 કલાકે બે શખ્સો આવતા જોવા મળ્યા હતા જે પાણીની ગટરની ટેન્ક પાસે સંતાયા હતા અને થોડીવાર પછી બીજા બે શખ્સ આવ્યા હતા અને ચર્ચા કરીને ત્રણ જણા આજુબાજુમાં ધ્યાન રાખી રહ્યા હતા અને એક શખ્સે 220 સીસી પલ્સરના વાયર સાથે ચેડા કરવા શરૂ કર્યા હતા.
જેમાં વાયરિંગ કાપતાં સેન્સરને કારણે બાઇકની પાર્કિંગ લાઈટો ચાલુ થઈ જતા શંકા પાકી થઈ હતી જેથી સિક્યુરિટીના માણસો દોડીને પાર્કિંગમાં પહોંચવા દરમિયાન ચારેય શખ્સો દોડવા માંડ્યા હતા તેમનો પીછો કરી કાંકણોલ રોડ પરથી એક સગીરને ઝડપી પૂછપરછ કરી એ ડિવિઝન પોલીસને સોંપાયો હતો. તેની પાસેથી મરચાનો પાવડર અને ચપ્પુ પણ મળ્યું હતું. મળતી માહિતી અનુસાર ત્રણ ચાર ગ્રુપમાં 10 થી 12 શખ્સો બાઈક ચોરી કરે છે અને એક બાઈક ચોરીનો ભેદ પણ ખુલ્યો હોવાનું બિન સત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે
તમામ બાઇકચોરો ઉદયપુર બાજુથી આવે છે
બાઈક ચોરી કરવા આવેલ ગેંગના પકડાઈ ગયેલ સગીરે સ્ફોટક વિગતો આપી હતી તમામ લોકો ઉદયપુર નાથદ્વારા બાજુથી આવે છે અને કેટરિંગના વ્યવસાયમાં ઓર્ડર હોય ત્યારે મજૂરીનું કામ કરે છે અને રાત્રે દરમિયાન ચોરીને અંજામ આપે છે તેની સાથે વિષ્ણુ,મામુ(સગીરનો મામો) તથા ભરત નામના શખ્સો હતા જે ફરાર થઈ ગયાનું તેણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.