સાબરકાંઠા જિલ્લામાં શીત લહેરની સાથે સાથે મંગળવારે સવારે વહેલી સવારથી જ ધુમ્મસની ચાદર છવાઈ જતા જનજીવન રીતસરનું ઠૂંઠવાઇ ગયું હતું અને વહેલી સવારે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાવવા છતાં ધુમ્મસને કારણે ભેજ સાથે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. સાથે સાથે જીરું, વરિયાળી જેવા મસાલા પાકને નુકસાનની ભિતી પણ સેવાઈ રહી છે જિલ્લાના ઉત્તરે પોશીના તાલુકામાં બપોર બાદ વાદળો પણ જોવા મળતાં ચિંતામાં વધારો થયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીના ઘટાડા સાથે ઠંડીમાં પણ ઘટાડો થશે.
પૂર્વી અફઘાનિસ્તાન અને આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ-સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી અરબી સમુદ્ર પરથી ઉત્તર પશ્ચિમ ભારત તરફ વિપુલ પ્રમાણમાં ભેજનું વહન થઈ રહ્યું છે જેના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. બે એક દિવસથી શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે અને મંગળવારે વહેલી સવારથી જ ધુમ્મસની ચાદર છવાઈ હતી જેને પગલે જિલ્લાજનોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો.
વાહનચાલકોને ધુમ્મસને કારણે વિઝિબિલીટી ઘટી જતા સ્પીડ ઘટાડી વાહનની લાઈટો ચાલુ કરવી પડી હતી અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધુમ્મસનો પ્રકોપ એટલો હતો કે સૂર્ય ઉપર ચઢ્યા બાદ પણ સ્થિતિમાં જાજો ફરક જોવા મળ્યો ન હતો અને દિવસ દરમિયાન તેની અસર જળવાઈ રહેતા દિવસે પણ સૂર્યપ્રકાશ જોવા મળ્યો ન હતો. ધુમ્મસ અને ભેજને કારણે ખેતીપાકને પણ નુકસાન થવાની દહેશત પેદા થઈ હતી. ખેડૂતોના જણાવ્યાનુસાર વહેલી સવારે અને સાથે ઠંડી હોવાથી ખેતરના ઉભા પાકના છોડ પર પાણી બાજતા વરિયાળી જીરું રાયડા જેવા મસાલા પાકમાં ફૂગ જીવાત સહિતનો ઉપદ્રવની સંભાવના વધી ગઈ છે.
એક-બે દિવસ પિયત ટાળવી જોઇએ....
જીરું વરિયાળી જેવા પાકમાં અસર થઈ શકે છે ખેડૂતોએ તકેદારી રાખવી જોઈએ ડાઈ ઇથેનએન45 ફંગસ નાશક દવાનો દર 10 થી 12 દિવસે છંટકાવ કરવો જોઈએ વહેલા વાવેલા ઘઉંમાં ઉંબીઓ આવવી શરૂ થઈ ગઈ છે પવનનું પણ જોર છે તો હમણાં એકાદ બે દિવસ પિયત આપવાનું ટાળવું જોઈએ તદુપરાંત વહેલા વાવેતર વાળા બટાકાના પાકમાં બટાકા બેસવા શરૂ થઈ ગયા છે શક્ય નથી પરંતુ કમોસમી માવઠું થાય તો ચુસીયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ થઈ શકે છે રાયડામાં સિંગો આવવી શરૂ થઈ ગઈ છે તેમાં નુકસાન ની સંભાવના નથી.> વી.કે.પટેલ, ખેતી અધિકારીસાબરકાંઠા
આગામી 4 દિવસમાં લઘુત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી ઉંચકાશે, બાદમાં ઠંડીનું પ્રમાણ વધશે...
મંગળવારે હિંમતનગરમાં લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના વર્તારા મુજબ એકાદ દિવસ ઠંડી યથાવત જળવાઈ રહ્યા બાદ ખામી ચાર દિવસમાં લઘુત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી જેટલું ઉંચકાઈ શકે છે અને ઠંડીમાંથી ચાર-પાંચ દિવસ રાહત મળી શકે છે ત્યારબાદ તાપમાન એકાદ બે ડિગ્રી ઘટવાની પણ સંભાવના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.