ઓછા ખર્ચે વધુ નફો:સાબરકાંઠાના ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી; રાસાયણિક ખેતી કરતાં ઓછો ખર્ચ

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

સાબરકાંઠાના ઈડરનો ખેડૂત રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી અપનાવી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યાં છે. તેમણે તેમના 4 એકર ખેતરમાં મિશ્ર પાકની ખેતી કરી વાર્ષિક 6.55 લાખ રૂપિયા નફો મેળવ્યો છે. પ્રાકૃતિક ખેતીમાં રસાયણિક ખેતી કરતા ઓછો ખર્ચ હોવાથી વધુ નફો મળે છે.

પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ફક્ત 'મજૂરી'
સાબરકાંઠાના ઈડરના નવા રેવાસના મુકેશ દેવજીભાઈએ રાસાયણિક ખેતીના બદલે પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું છે. તેઓ તેમના ચાર એકર ખેતરમાં મિશ્ર પાક જેમ કે હળદર, આદુ, તુવેર, મરચી, કપાસ એક સાથે કરે છે.બીજા એક ખેતરમાં ચણા, કોબીજ, વટાણા,પરવર સાથે કર્યા છે. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીમાં માત્ર મજૂરીનો ખર્ચ થાય છે. ખેતી થકી ચાર એકરમાંથી વાર્ષિક 6.55 લાખ નફો થયો છે. પહેલા રાસાયણિક ખેતીની 5 લાખ આવકમાં ખર્ચ 1.80 લાખ અને નફો 3.20 લાખ થતો હતો.

દેશી ગાયના ગૌમૂત્ર, ગોબર તેમજ છાશનો ઉપયોગ
મુકેશભાઈએ વધુમાં જણાવ્યું છે કે, તેઓ હાલમાં તેમની ખેતીની જમીનમાં મિશ્ર પાકો લઈ રહ્યાં છે. જેથી ઉત્પાદન એક પછી એક ચાલુ જ રહે અને આવક થતી રહે. તેમજ દ્વિદલ વનસ્પતિના કારણે પાકને જરૂરી નાઇટ્રોજન મળે છે જેથી બહારથી આર્ટિફિશિયલ નાઇટ્રોજન આપવાની જરૂર રહેતી નથી. મુકેશભાઈ પાસે કુલ 10 દેશી ગાય છે. ગાયના ગૌમૂત્ર તેમજ ગોબરમાંથી જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર, તેમજ 10 પર્ણી અર્ક અને ફૂગનાશક માટે દેશી ગાયની છાશનો ઉપયોગ કરે છે.

ખેતરના કચરાને આચ્છાદન તરીકે ઉપયોગ
મુકેશભાઈ ખેતરમાં રહેલા નિંદામણ કે કચરાને આચ્છાદન તરીકે ઉપયોગ કરે છે, જેથી જમીન પોચી અને જમીનમાં અળસિયાનું પ્રમાણ વધે. જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધી, જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધ્યો છે. પાણીની જરૂર ઓછી થઈ ગઈ છે. પ્રાકૃતિક ખેતી દ્વારા થતી ખેતપેદાશોનું મૂલ્ય વર્ધન કરી જાતે જ માર્કેટિંગ કરીને વેચાણ કરે છે. જેમાં ઘઉં, ચણા, બટાકા, મગફળી, હળદર, વગેરે પાકોનું તેઓ વાવેતર કરી ઉત્પાદન મેળવે છે. પાછલા વર્ષે દોઢ વીઘા જમીનમાંથી 3.15 લાખ રૂપિયાના પરવરનું વેચાણ કર્યું હતું. સાથે 85 હજાર રૂપિયાની કોબીજ, 70 હજાર રૂપિયાના બટાકા તેમજ મગફળીમાંથી તેલનું મૂલ્ય વર્ધન કર્યું હતું. હળદળનું મૂલ્યવર્ધન કરી 300 રૂપિયા કિલોના ભાવે વેચાણ કરે છે.

પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો અને ઉત્પાદન વધુ
રાસાયણિક ખેતીમાં જમીનમાં રહેલ સૂક્ષ્મ જીવો અળસિયા અને ઓર્ગેનિક કાર્બન ઓછો થાય છે જેના કારણે જમીન કઠણ થાય છે અને પાણી શોષવાની ક્ષમતા ઘટી જાય છે. ખાતરો અને દવાઓનો ખર્ચ સાથે રોગો પણ થાય છે. મુકેશભાઈએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારથી ખર્ચ ઓછો થયો છે ઉત્પાદન અને નફો વધુ થયો છે. ખેત પેદાશોના ભાવ ઊંચા મળવા લાગ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં અળસિયા જમીનમાં વધવાને કારણે જમીન પોચી બને છે અને પાણી સંગ્રહની ક્ષમતા વધે છે. તો છોડને ભેજની જરૂર છે પાણીની નહીં, જેથી પાણીનો બચાવ થાય છે.

અન્ય સમાચારો પણ છે...