• Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • Sabarkantha District Development Coordination Committee Meeting Held, Launch Of E rickshaws For Garbage Collection, Ban On Heavy Vehicles In Polo

સાબરકાંઠા ન્યૂઝ અપડેટ:સાબરકાંઠા ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઈ, કચરાના કલેક્શન માટે ઈ-રિક્ષાનું લોકાર્પણ, પોળોમાં ભારે વાહનો પર પ્રતિબંધ

સાબરકાંઠા (હિંમતનગર)19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ સમિતિની બેઠક સાસંદ દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. આ પ્રસંગે રાજયસભાના સાસંદ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં સાસંદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, કેન્દ્ર-રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ ગામના છેવાડાના લોકો સુધી પહોંચે તે જરૂરી છે. આ માટે યોગ્ય દિશામાં આયોજન કરી પાયાની જરૂરીયાતોને પ્રાથમિકતા અપાય તે જરૂરી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, સરકાર દ્વારા વિકાસ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ સબંધિત હેતુ માટે થાય તે આવશ્યક છે. શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન યોજના અંતર્ગત ખેડબ્રહ્માના ઝાંઝવા પાણાઈ ગામે સખી મંડળની બહેનોને પણ પ્રોત્સાહન આપ્યું હતુ. આ સખી મંડળની બહેનો દ્વારા બનાવેલ સેનેટરી નેપકીન પેડ અને પેપર ડીશ યુનિટ દ્વારા ઉત્પાદિત સામાનના વેચાણને પ્રોત્સાહન આપવા જરૂરી સૂચનો પણ તેમણે કર્યા હતા.

આ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન પ્રોજેક્ટ, જિલ્લા જળ સ્વચ્છતા એકમ, આરોગ્ય, કૃષિ, શિક્ષણ, સિંચાઇ, પશુપાલન, રોજગાર, વીજ પુરવઠા, માર્ગ-મકાન, શહેરી વિકાસ સહિતના વિભાગોની યોજનાની ચર્ચા, લાભાર્થીઓને થયેલા લાભ અને બાકી રહેતા લોકોને ઝડપથી લાભ મળે તે દિશામાં કામગીરી કરવા અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો. બેઠકમાં જિલ્લા કલેકટર હિતેષ કોયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખ સહિત વિવિધ પદાધિકારીઓ અને સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાંતિજની ગ્રામ પંચાયતોને કચરા કલેક્શન માટે ઈ-રિક્ષા અપાઈ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામડાઓમાં સુકો અને ભીનો કચરો ડોર ટુ ડોર એકત્રિત કરવા ઈ-રિક્ષાનું તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

પ્રાંતિજ તાલુકાના ઘડી, પોગલું, વડવાસા અને વાઘરોટા ગ્રામ પંચાયતે ડોર ટુ ડોર કલેક્શન થકી સુકા અને ભીના કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટે વ્યવસ્થા કરી છે. જેમાં ગ્રામ પંચાયતની ઈ-રિક્ષા વડે ઘરે ઘરે જઈને કચરો એકઠો કરી યોગ્ય નિકાલ કરવામાં આવશે. જેથી પ્લાસ્ટિક અને વેસ્ટ મટિરીયલ થકી ગામમાં ગંદકી ના ફેલાય અને યોગ્ય નિકાલ વડે સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવી શકાય. તેનાથી પ્લાસ્ટિક મુક્ત ભારતના સ્વપ્નને પણ સાકાર કરી શકાય છે. જેને લઈને પંચાયતને ઈ-રીક્ષા આપવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્યો, ગામના સરપંચો તેમજ સ્થાનિક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

પોળો ફોરેસ્ટમાં ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ
વિજયનગરના પોળોના જંગલ વિસ્તારમાં ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું કલેકટરે બહાર પાડ્યું છે. જે 29 એપ્રિલ સુધી અમલમાં રહેશે. સાબરકાંઠાનું પોળો ફોરેસ્ટ તેના કુદરતી સૌંદર્યને ઘણું પ્રખ્યાત છે. અનેક લોકો આ કુદરતી સૌદર્યને નિહાળવા તેમજ માણવા અહીં આવતા હોય છે. પ્રવાસ માટે આવતા લોકો પોતાની સાથે પ્લાસ્ટિકની બેગ તેમજ અન્ય વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. જેને લીધે પ્રદૂષણ જેવી સમસ્યા સર્જાય છે.

આથી પોળો જંગલ ખાતેના શારણેશ્વર મંદિર પાસે પ્રવાસીઓની સુવિધા વધારવા અને જંગલ વિસ્તારને પ્રદુષણમુક્ત ઈકો ટુરીઝમ તરીકે વિક્સાવવા માટે જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં પોળો વિસ્તારના શારણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ફોર વ્હીલર અને તેથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામું 29 એપ્રિલ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિને ભારતીય દંડ સંહિતા કલમ 188 હેઠળ દંડ કરવામાં આવશે.

લુહાર સમાજનો વ્યવસાય વિકાસ વિષય પર સેમીનાર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ગુજરાત જયપુરી લુહાર સમાજનો વ્યવસાય વિકાસ વિષય પર સેમિનાર શનિવારે યોજાયો હતો. જેમાં બેંક, સરકારી ઓફીસ અને મોટીવેશન સ્પીકર સહિતના વકતાઓએ ઉપસ્થિત રહીને સમાજના યુવાનોને વ્યવસાય અને આત્મનિર્ભર બનવા માટેનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

સમાજને સંગઠિત અને સમાજના યુવાનો વ્યવસાય ક્ષેત્રમાં વિકાસ કરે અને આત્મનિર્ભર બને તેને લઈને ગુજરાત જયપુરી લુહાર સમાજ ટ્રસ્ટ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેને લઈને હિંમતનગરમાં વ્યવસાય વિકાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે 11થી સાંજના 6 વાગ્યા દરમિયાન જીએસટી ઓફીસના અધિકારીઓ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર સહિત અધિકારીઓ, ચાર્ટડ એકાઉન્ટટ, સોફ્ટવેર એન્જિનિયર, મોટીવેશન સ્પિકર, જિલ્લા ઉધોગ કેન્દ્રના અધિકારીઓએ સેમિનારમાં ગુજરાત, રાજસ્થાન અને એમપીમાં લુહાર સમાજના ઉપસ્થિત 300થી વધુ સભ્યોને માર્ગદર્શન આપ્યું હતું. તો તમામ ઉપસ્થિત વક્તાઓએ પોતાના ફિલ્ડ થકી વ્યવસાયના વિકાસ માટે અને આત્મનિર્ભર બનવા માટે ક્યાં પ્રકારની સહાય, મશીનરી, લોન, ઇન્કમ ટેક્ષની માહિતી, જીએસટીની માહિતી આપી હતી.

આ અંગે લુહાર સમાજના પ્રમુખ ઇસ્લામ લુહાર અને સમાજના સેક્રેટરી ઝાકીર લુહારે જણાવ્યું હતું કે, સમાજના યુવાનોને વ્યવસાયના વિકાસ તરફ પગરણ મજબૂત કરવા માટે સમાજના યુવાનોને માર્ગદર્શન માટે સેમિનાર ઉપરાંત 2019થી સમાજને સંગઠિત કરવા અને આગળીના ટેરવે આખા સમાજની માહિતી માટે એપ્લીકેશન બનવવાની શરૂઆત કરી હતી જે 2023માં પૂર્ણ થઇ છે. તો જયપુરી લુહાર સમાજની એપ્લીકેશન બિજનેસ ડેવલોપમેન્ટ સેમિનારમાં લોન્ચ કરવામાં આવી હતી. ગુજરાત જયપુરી લુહાર સમાજ ટ્રસ્ટના 500 સભ્યો છે જેમાં મોટા વ્યવસાયી પણ છે અને સરકારી નોકરી કરતા પણ છે. તો મોટા ભાગના વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા છે જેને લઈને વ્યવસાયમાં વિકાસ થાય તે હેતુથી સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...