તેજસ્વી તારલાઓ:સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા વણકર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 100થી વધુ તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો

સાબરકાંઠા (હિંમતનગર)19 દિવસ પહેલા

હિંમતનગરમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા વણકર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ઇડર બાયપાસ રોડ પર આવેલા પ્રભુ પ્લાઝાના પટાંગણમાં સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સમાજના ૧૦૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ, શિલ્ડ સહિત મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સમારંભ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત જિલ્લા પોલીસ વડા વિશાલકુમાર વાઘેલાએ જણાવ્યુ હતુ કે, વણકર સમાજમાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરીને આઇ.એ.એસ., આઇ.પી.એસ. અધિકારી બની શકે છે. આ ઉપરાંત મોટા ઉદ્યોગપતિ અને વેપારી બનીને સમાજની સેવાકાર્યો કરી સમાજમાં રહેલા બીજા આપણા ભાઇ-બહેનોને વિકાસમાં મદદરૂપ થશે તો સમાજનો વિકાસ થશે. સમાજનો વિકાસ હશે ત્યાં સંપ અને એકતાના દર્શન થશે. આપડે આપણા જીવનમાં કેવી રીતે જીવન જીવવુ તેની શીખ આપતા તેમણે જણાવ્યુ હતુ કે, હંમેશા શાંત મન અને ધીરજ તથા લગનથી અભ્યાસ કરી મહેનતરૂપી ફળથી જીવનને આગળ ધપાવતા રહેવુ જોઇએ.

આ પ્રસંગે સમારંભના પ્રમુખ શશિકાન્તભાઇ સોલંકીએ જણાવ્યુ હતુ કે દર વર્ષે ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સન્માનપત્ર, શિલ્ડ તથા બેગ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. તો ફક્ત સન્માન કરવા પુરતુ નહી પણ ભવિષ્યમાં જ્યારે પણ ટ્રસ્ટની મદદની જરૂરીયાત હોય તે સમયે ટ્રસ્ટ તમારી પડખે ઉભી રહેવાની ખાતરી પણ આપી હતી.

આ પ્રસંગે સમારંભ ઉદ્દઘાટક તરીકે ગીરીશભાઇ ધનુલા,કલરવ સૂર્યવંશી મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠાના દાંતાના ડેપ્યુટી કલેકટર કુ.સિધ્ધીબેન દિનેશભાઇ વર્મા,હરેશભાઇ જી.પલ્લાચર્યા, રામજીભાઇ મગાભાઇ વણકર, અશ્વિનભાઇ કાનાભાઇ સોલંકી, કેશાભાઇ સોમાભાઇ રાઠોડ તથા ર્ડા.પ્રો. અમૃતભાઇ એલ. સુતરીયા સહિત અગ્રણીઓ તથા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...