સાબરડેરીમાં ગુરૂવારે યોજાયેલ 58 મી સાધારણ સભામાં ઐતિહાસિક અને ગત વર્ષની સરખામણીએ દોઢો 19.17 ટકા જેટલો ભાવફેર અને 11 જૂનથી કિલોફેટના ભાવમાં રૂ.20 નો વધારો કરાતાં સાબરકાંઠા - અરવલ્લી જિલ્લાના 3 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને જેકપોટ લાગ્યાનો અનુભવ થયો હતો અને ડેરીના ઇતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રિટેન્ડ મની-ભાવફેર રૂ.648 ચૂકવવામાં આવનાર છે ત્યારે પશુપાલકોમાં આનંદનું મોજુ ફરી વળ્યુ છે.
સાબરડેરી દ્વારા છેલ્લા અઢી માસમાં દૂધના કિલોફેટના ભાવમાં સતત વધારો કરતા રહી તા.09-06-22 ના રોજ ચોથી વખત કિલોફેટના ભાવમાં રૂ.20 નો વધારાની જાહેરાત કરાતા પશુપાલકોને તા.11-06-22 થી કિલોફેટના રૂ.760 ભાવ મળતો થઇ જશે. સાબરડેરી દ્વારા પ્રતિ વર્ષ જૂન માસમાં રિટેન્ડમની-ભાવફેરની જાહેરાત કરી દૂધ ઉત્પાદકોને વધારાનો નફો વહેંચાય છે. દૂધ ઉત્પાદકો કેટલો ભાવફેર ચૂકવાય છે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે.
સાબરડેરી ચેરમેન દ્વારા બોર્ડ ઓફ ડિરેકટર્સ સાથેની બેઠકમાં ચાલુ વર્ષ દૂધ ઉત્પાદકોને મહત્તમ ભાવફેર ચૂકવવા નિર્ણય લેવામાં આવ્યો હતો જેની ગુરૂવારે સાબરડેરી ખાતે યોજાયેલ સાધારણ સભામાં જાહેરાત કરાતા પશુપાલકોને અકલ્પનીય લોટરી લાગી હતી. સાબરડેરી દ્વારા પાછલા વર્ષોની સરખામણીએ ભાવફેરમાં દોઢસો ટકાનો વધારો કરાતાં 1800 થી વધુ મંડળીઓના સભાસદ દૂધ ઉત્પાદકોમાં આનંદ પ્રસરી જાય તે સ્વાભાવિક છે. સા.કાં. બેંકના ચેરમેન મહેશભાઇ, સાંસદ દીપસિંહ રાઠોડ, વિપુલભાઇ પટેલ, વાઇસ ચેરમેન બ્રીજેશભાઇ પટેલ, એમ.ડી., ડેરીના વર્તમાન અને ભૂતપૂર્વ ડિરેક્ટરો હાજર હતા.
હવે તારીખ 11 જૂનથી દૂધ ઉત્પાદકોને ~760 નો ભાવ મળશે: ચેરમેન
સાબરડેરી ચેરમેન શામળભાઇ પટેલે જણાવ્યું કે ડેરી દ્વારા દર દસ દિવસે ચૂકવાતા પગારને કારણે નિયમિત આવક મળતા પશુપાલન વ્યવસાય સ્વરોજગારનું માધ્યમ બન્યો છે ગત વર્ષ સાબરડેરીનું ટર્ન ઓવર 5710 કરોડ હતુ. દૂધ સંપાદન અને દૂધ વિતરણ-વેચાણમાં અથાગ પ્રયાસોને પગલે એક વર્ષમાં 1100 કરોડ વધીને 6805.94 કરોડ ટર્ન ઓવર થયું છે.
વર્ષ 2020-21 માં ભાવફેર સહિત પ્રતિકિલો ફેટના રૂ.812 જેટલી રકમ ચૂકવી હતી. ચાલુ વર્ષે સરેરાશ રૂ.710 ભાવ ચૂકવવામાં આવ્યા હતા અને વર્ષ 2021-22 ના સરવૈયા પ્રમાણે રૂ.48 જેટલો ભાવ વધારો ચૂકવ્યો છે એટલે કે 19.17 ટકા જેટલો ભાવફેર આપવાનો નિર્ણય લેવાયો છે. જેને પગલે કિલોફેટના રૂ.860 ચૂકવવામાં આવનાર છે અને ટૂંક સમયમાં દૂધ ઉત્પાદકોના ખાતામાં કુલ રૂ.648 કરોડ જમા કરાવી દેવામાં આવનાર છે. દૂધના કિલોફેટના ભાવમાં રૂ.20 નો વધારો કરાતા હવે તા.11-06 થી દૂધ ઉત્પાદકોને રૂ.760 નો ભાવ મળશે.
છેલ્લા 4 વર્ષમાં ચૂકવાયેલા ભાવફેરની વિગત
છેલ્લા 4 વર્ષમાં ડેરીએ ચૂકવેલ ભાવફેરના આંકડા જોતા ચાલુ વર્ષે દૂધ ઉત્પાદકોને મસમોટી રકમ ફાળવાઇ છે. 3 વર્ષ અગાઉ 200 કરોડ ચૂકવાયા હતા જ્યારે છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના સહિતના પરીબળો મુશ્કેલી બન્યા હોવા છતાં ચાલુ વર્ષે રૂ.648 કરોડ ભાવ ફેર આપવાનું નક્કી કરાયુ છે.
કિલોફેટના ક્યારે કેટલા ભાવ વધ્યા | ||
તા. | કેટલાવધ્યા કેટલા થયા | |
01-03 | 10 | 720 |
21-03 | 10 | 730 |
11-05 | 10 | 740 |
11-06 | 20 | 760 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.