સાબરડેરીએ પશુદાણમાં અસહ્ય ભાવ વધાર્યો કર્યા બાદ પશુપાલકોમાં પેદા થયેલ રોષ અને અસંતોષને પારખી જઇ બે માસમાં ત્રીજી વખત ભેંસના દૂધના કિલોફેટના ભાવમાં રૂ.10 અને ગાયના દૂધમાં રૂ.6.90નો વધારો કરતા વત્તાઓછા અંશે પશુપાલકોના રોષને ઠંડો પાડવા ડેરી દ્વારા પ્રયાસ કરાયાનુ મનાઇ રહ્યુ છે. ત્યારે હાલમાં પશુપાલકોમાં પણ કુલ રૂ.30ના ભાવ વધારાને પગલે મહદ્દઅંશે માંગ સ્વીકારાઇ હોવાનો સંતોષ અનુભવાઇ રહ્યો છે.
ડેરી દ્વારા ગત 28 ફેબ્રુઆરીએ ભેંસના દૂધના કિલોફેટના ભાવમાં રૂ.10 નો વધારો કરવાની જાહેરાતની સાથે સાબરદાણના ભાવમાં રૂ.100 નો વધારો ઝીંકી દેવાયો હતો. બાદમાં ત્રણ જ સપ્તાહમાં ફરી એકવાર દૂધના કિલો ફેટના ભાવમાં રૂ.10નો વધારો કર્યો હતો તેમ છતાં પશુઓનો નિભાવ ખર્ચ પાંચ વર્ષમાં સરેરાશ 30 ટકા જેટલો વધવાની સામે ભાવ મળતા ન હોવાની અને ગરમીની સીઝન શરૂ થઇ ગઇ છે તથા દૂધની આવક ઘટવાની સામે પશુદાણની ખપતમાં કોઇ ફેર ન પડવાને કારણે રૂ.10 ના ભાવ વધારાનો પશુ પાલકો દ્વારા વિરોધ શરૂ થયો હતો અને કિલોફેટે રૂ.25-30 ના વધારાની માંગ ઉભી થઇ હતી.
પશુપાલકોની લાગણી અને રોષને જોઇ સાબરડેરી નિયામક મંડળ દ્વારા બે મહિનામાં ત્રીજીવાર મંથન કરાયુ હતુ અને તા.09-05-22 ના રોજ 11 મે થી અમલી ભેંસના દૂધમાં રૂ.10 નો અને ગાયના દૂધમાં સમતૂલ્ય કિલોફેટમાં રૂ.6.90નો વધારો જાહેર કરાયો હતો.
દૂધ ઉત્પાદકોના હિતમાં નિર્ણય લેવાયો છે
સાબરડેરી ચેરમેન શામળભાઇ પટેલે જણાવ્યું કે કિલોફેટના ભાવમાં વધારો કરી તા.11-05-22 થી ભેંસના દૂધના ભાવ રૂ.740 અને ગાયના દૂધના સમતુલ્ય કિલોફેટનો ભાવ રૂ.320.50 ચૂકવાશે. આજની મોંઘવારીમાં રોજીંદી જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે ત્યારે દૂધ વ્યવસાયને પ્રોત્સાહિત કરવા અને દૂધ ઉત્પાદકોના હિતમાં નિર્ણય લેવાયો છે જેને લઇ દૂધ ઉત્પાદકો પણ ખુશ છે.
ગત 28 ફેબ્રુ.એ કિલોફેટે ~10 નો વધારો કર્યો હતો
સાબરડેરી દ્વારા ગત 28 ફેબ્રુઆરીએ ભેંસના દૂધના કિલોફેટના ભાવમાં રૂ.10 નો વધારો કરવાની જાહેરાતની સાથે સાબરદાણના ભાવમાં રૂ.100 નો વધારો ઝીંકી દેવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.