સાબરકાંઠામાં કાર્યાલય બનાવવા તૈયારી:2.5 કરોડ ચૂંટણી સહયોગનિધિ ભેગી કરો ને ‘કમલમ’ બનાવવા ફંડ લઇ જાવ

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ભાજપના તમામ હોદ્દેદાર, પદાધિકારીને 11થી લઇ 51 હજારના લક્ષાંક, શ્રીમંત ભાજપીઓને આમાંથી બાકાત રખાયા છે !

અરવલ્લીમાં ભાજપનું નવીન કાર્યાલય બની ગયા બાદ સાબરકાંઠા જિલ્લામાં પણ નવીન ‘કમલમ’ બનાવવાની માંગ ઉભી થયા બાદ સંગઠન દ્વારા 2.5 કરોડ ચૂંટણી સહયોગનિધી ભેગી કરો અને ‘કમલમ’ માટે ફંડ લઇ જાવ તેવુ બેટૂક કહી દેવાયા બાદ જિલ્લામાં તમામ હોદ્દેદારો, પદાધિકારીઓને રૂ.11 હજારથી માંડી રૂ.51 હજારના નામજોગ લક્ષ્યાંક આપી શ્રીમંત ભાજપીઓને આમાંથી બાકાત રાખવાની તાકીદ કરાતા દબાતા સૂરે અસંતોષ વ્યક્ત થવો શરૂ થઇ ગયો છે અને આ કારણે જ સમગ્ર મામલો બહાર આવ્યો છે.

વિશ્વમાં સૌથી વધુ નોંધાયેલા કાર્યકરવાળો સૌથી મોટો રાજકીય પક્ષ હોવાનો દાવો કરતા ભાજપ દ્વારા સ્થાનિક સંગઠનોની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા - જરૂરિયાતો પૂરી કરવા માટે પણ જાતે ફંડ ઉઘરાવી ચેકથી પાર્ટી ફંડમાં જમા કરાવો અને ત્યારબાદ તમારૂ જ ફંડ તમે લઇ જાવની નીતી અખત્યાર કરવામાં આવતા જિલ્લા ભાજપના કાર્યકરોમાં અસમંજસની સ્થિતિ પેદા કરી છે.

નામ ન આપવાની શરતે એક કાર્યકરે જણાવ્યુ કે હિંમતનગર ખાતે ભાજપનું નવુ જિલ્લા કાર્યાલય ‘કમલમ’ બનાવવાનો વિષય મૂકવામાં આવતા અંદાજે બે થી અઢી કરોડના ખર્ચને પહોંચી વળવા પ્રદેશમાંથી ચૂંટણી સહયોગનિધી ભેગી કરો અને તેમાંથી ‘ કમલમ ’ બનાવવા ફંડ લઇ જાવ તેવુ કહેવામાં આવતા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કાર્યકર, હોદ્દેદાર, નેતાના કદ પ્રમાણે રૂ.11 હજારથી માંડી રૂ.51 હજાર ચૂંટણી સહયોગનિધી ઉઘરાવવાની અને તા.15/07/22 સુધીમાં હિંમતનગરના જિલ્લા કાર્યાલય ખાતે ચેક જમા કરાવવા અને ચેકની પાછળ કાર્યકરે પોતાની તમામ ડીટેઇલ લખવા લેખિત સૂચના આપવામાં આવી છે

શ્રીમંત ભાજપીઓ પાસેથી ચૂંટણી સહયોગનિધીમાં કોઇપણ પ્રકારનો ફાળો - સહયોગ ન લેવાની મૌખિક સૂચના અપાઇ હોવાનુ જણાવી આક્રોશ વ્યક્ત કરાયો હતો કે જે હોદ્દેદારો કે પદાધિકારીઓ ખોટુ કરતા નથી તેમને દબાણ પૂર્વકની જવાબદારીઓ સોંપાતા તે પણ ખોટુ કરતા થઇ જશે અને જેની પાસેથી ફંડ એકત્ર કરશે તેના ખોટા કામ કરવા પણ મજબૂર બનશે.

બીજી મહત્વની વાત એ કરી કે જિલ્લા સંગઠને જ ફંડ ઉઘરાવી પાર્ટીમાં જમા કરાવી પરત લેવાનુ હોય તો સ્થાનિક સ્તરે જ પાર્ટીએ કાર્યકરો સામે ટેલ નાખી ફંડની વ્યવસ્થા કરી લેવી વધુ હિતાવહ છે. જે હોય તે પરંતુ જિલ્લામાં ચૂંટણી સહયોગ નિધીના નામે આપવામાં આવેલ લેખિત જવાબદારી ચર્ચાનુ કેન્દ્ર બની છે.

અન્ય સમાચારો પણ છે...