તપાસ:રૂ. 1.5 લાખ ન આપવા પડે તે માટે યુપીથી માણસો બોલાવી હત્યા કરાવી

હિંમતનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇલોલના શખ્સની હત્યાનો ભેદ ખુલ્યો, 4 ઝબ્બે

હિંમતનગર તાલુકાના ઇલોલમાં સલૂન ચલાવતા યુપીના શખ્સને રૂપિયા દોઢ લાખનો હિસાબ કરવા યુપીથી બોલાવી બપોરે મસાજને બહાને ખુરશીમાં બેસાડી કાતર અને અસ્ત્રા વડે રહેંસી નાખ્યા બાદ મોડી સાંજે લાશને ડસ્ટબીનમાં પેક કરી કડોલી ગામના ખરાબામાં બાવળિયાના ઝુંડમાં વગે કરી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ આપી પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કરનાર ચાર હત્યારાને ઝડપી પાડી પોલીસે સળીયા પાછળ ધકેલ્યા હતા.

ઇલોલમાં છેલ્લા પાંચેક વર્ષથી ભાડાની દુકાન રાખી હેર કટીંગ સલૂન ચલાવતો અકબર અબ્દુલ સલામ પીરબક્ષ (રહે.બસી કીરતતપુર મોહલ્લા અહમદખેલ તાલુકો નજીબાબાદ જીલ્લો બિઝનૌર ઉત્તર પ્રદેશ)પાંચેક માસ અગાઉ અકસ્માત થતા તેની હાથ નીચે કામ કરતા નદીમ મોહમ્મદ કુતબુદ્દીન અંસારીને દુકાન ચલાવવા આપી અને જે હિસાબ આવે તે ફોન પે અથવા પેટીએમથી મોકલી આપવાનું કહી વતનમાં ગયો હોઇ અને થોડા સમય બાદ ઈલોલ પરત આવ્યો હતો.

પરંતુ હાથે વાગેલું હોય બરાબર કામ કરી શકતો ન હોય નદીમે કહ્યું હતું કે દુકાન કોન્ટ્રાક્ટ પર મને આપી દો હું પૈસા મોકલતો રહીશ જેથી અકબરે દુકાનના માલ સામાનના રૂપિયા દોઢ લાખ નક્કી કરી મોકલી આપવા કહ્યું હતું પરંતુ નદીમ પૈસા મોકલતો ન હોય અને તું ઇલોલ ગામે પૈસા લેવા કે દુકાન ખાલી કરાવવા આવીશ તો અમે બધા તને પૂરો કરી દઈશુંની ધમકી આપી હતી.

ત્યાર પછી નદીમે વિશ્વાસમાં લઈ સામેથી ફોન કરીને અકબરને પૈસા લેવા બોલાવ્યો હતો જેથી અકબર તેના ગામના તારીક મુસરત પઠાણને લઈને તારીખ 11/03/23 ના રોજ ઇલોલ આવ્યો હતો બપોર પછી અકબરને લઈને ચારેય જણા દુકાને ગયા હતા અને તારીક તેમના રૂમ પર રોકાયો હતો મોડી સાંજે ચારેય જણા પરત આવ્યા હતા.

પરંતુ અકબર પરત ન આવતા તારીકે પૂછતા અકબર કોઇની પાસે પૈસા લેવા ગયો છે તેવો જવાબ આપ્યો હતો બે દિવસ સુધી અકબર પરત ન આવતા સેહબાજ અહેમદ નામના શખ્સે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અકબરના ગુમ થવા અંગે જાણ કરી હતી અને ત્યારબાદ કડોલી ગામની સીમમાંથી અકબરની લાશ મળી આવી હતી.

સમગ્ર મામલે તપાસ કરી રહેલ રૂરલ પીએસઆઇ યશવંતભાઈ બારોટે જણાવ્યું કે લાશ મળી આવી તે જગ્યાથી થોડા અંતરે એક ડસ્ટબીન, વાળ ,હેર કટીંગ સલૂનમાં વપરાતો હોય તેવો પડદો વગેરે મળી આવ્યું હતું. લાશની ઓળખ જેકેટ અને કાનની કડીને આધારે તારીકે કરી હતી. તમામ ચાર શખ્સોને અલગ અલગ પૂછપરછ કરતા ભાગી પડ્યા હતા અને કબુલાત કરી હતી કે બપોરે અકબરને સલૂનમાં લાવી મસાજ કરવાને બહાને ખુરશીમાં બેસાડી અસ્ત્રા અને કાતર જેવા સાધનોથી હુમલો કરી મોડી રાત્રે લાશને કડોલીમાં વગે કરી આવ્યા હતા.

સલૂનમાં ચરસ ગાંજાનું ધૂમ ચલણ હતું
છેલ્લા પાંચ વર્ષથી ઇલોલમાં યુપીના શખ્સો દ્વારા ચલાવાઈ રહેલ પેરીસ હેર સલૂનમાં ચરસ ગાંજાનું ધૂમ વપરાશ થતો હોવાનું સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે ગ્રામજનોએ પણ ચારેય શખ્સોની અટકાયત બાદ આશકારો અનુભવ્યો છે

4 હત્યારાના નામ
1.નદીમ મોહમ્મદ કુતબુદ્દીન અંસારી
2 શેહબાજઅહેમદ મહમદમતલુબ અન્સારી
3.મોહમ્મદ શાન નફીસ અહેમદ શેખ
4.પરવેજ મુશરફ નૌશાદહુસેન અન્સારી
(તમામ રહેવાસી બડાપુર તા.નગીના જિ.બીજનોર ઉ.પ્ર.)

અન્ય સમાચારો પણ છે...