હનીટ્રેપ:મેઘરજના સીસોદરા (મે)ના નિવૃત્ત શિક્ષકે નડિયાદની મહિલા સાથે લગ્ન કર્યાં, મહિલાની ગેંગે ટુકડે-ટુકડે 26.25 લાખ પડાવ્યાં

સીસોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
રેખાબેન રાવળ (લગ્ન કરનાર) - Divya Bhaskar
રેખાબેન રાવળ (લગ્ન કરનાર)
  • 59 વર્ષીય નિવૃત્ત શિક્ષકે નડિયાદની મહિલા સાથે લગ્ન કરતાં મહિલાએ ગેંગ સાથે મળી ટુકડેટુકડે 26.25 લાખ પડાવ્યા, 3 મહિલા સહિત 6 સામે ફરિયાદ
  • નિવૃત્ત શિક્ષકને જમવામાં ગોળીઓ આપી બેભાન કરી અશ્લીલ ફોટા પાડી બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી સમાધાનના નામે રૂપિયા પડાવ્યા

મેઘરજના સીસોદરા(મે)ગામના નિવૃત્ત શિક્ષકને લૂંટેરી દુલ્હને પ્રેમજાળમાં ફસાવી સ્ટેમ્પ ઉપર લગ્ન કરાર કરી શિક્ષક સાથે રહી કેટલાક દિવસો બાદ દુલ્હને શિક્ષક પાસેથી રૂ.26.25 લાખ પડાવી લેતાં મેઘરજ પોલીસમાં મેઘરજના શખ્સ સહિત નડિયાદ ખેડાની ગેંગના 6 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. સીસોદરા મેઘાઈના નિવૃત્ત પ્રા.શિક્ષક નાનાભાઈ વક્તાભાઈ પટેલે (59) નિવૃત્તિ પછી લગ્નનું વિચારતા જાણવા મળ્યું કે નડિયાદમાં મેરેજ બ્યુરો ચાલે છે.

દક્ષાબેન કિરીટભાઇ ભોઇ
દક્ષાબેન કિરીટભાઇ ભોઇ

જેથી ગામના બે શખ્સોને લગ્ન માટે પત્ની શોધવા ગાડી કરી નાનાભાઈ પટેલ સાથે લઈ જઇ મેરેજ બ્યુરોવાળી જગ્યાએ જઈ તપાસ કરતાં દક્ષાબેનના માસી રાધાબેન સોલંકી તમામને તેમના ઘરે રતનપુર તા.નડિયાદ,જિ.ખેડા લઇ જતી વખતે રાધાબેન સોલંકીએ વચ્ચેથી એક સ્ત્રી બેસાડેલી જે સ્ત્રીએ પોતાનું નામ રેખાબેન હોવાનુ જણાવ્યુ હતું અને નાનાભાઈ પટેલને રેખાબેન સાથે મુલાકાત કરાવતા રેખાબેન અને નાનાભાઈ પટેલ એકબીજાને પસંદ આવતા રૂ.1.20 લાખ રેખાબેનને આપી સ્ટેમ્પ મંગાવી બંનેએ સ્વખુશીથી લગ્ન કરાર કરેલા અને રૂ.5000 ખર્ચા પેટે આપ્યા હતા.

હિતેશભાઇ મનુભાઇ પ્રજાપતિ
હિતેશભાઇ મનુભાઇ પ્રજાપતિ

લગ્ન બાદ રેખાબેન અને નાનાભાઈ પટેલ મેઘરજમાં મકાન ભાડે રાખી પંચવટી સોસાયટીમાં રહેતા હતા. તે દરમિયાન તા.05-08-2020ના દુલ્હન રેખાબેને નાનાભાઈને જણાવેલ કે મારી માસીની દીકરી બે દિવસ આપણા ઘરે રહેવા આવવાની છે તેવુ કહ્યું હતું. દરમિયાન નાનાભાઈ પટેલને રાત્રે જમવામાં ગોળીઓ આપતાં બેભાન થઈ ગયા હતા અને સવારે 6 વાગે વહેલા ઉઠી નાનાભાઈ પટેલે રેખાબેનને ચા નાસ્તો બનાવવાનું કહ્યું હતું. દરમિયાન તેમના ઘરે સવારે નવેક વાગે હિતેશ પ્રજાપતિ,રાધાબેન સોલંકી આવ્યા હતા.

રેખાબેને નાનાભાઈને જણાવેલ કે તમોએ આપણા ઘરે આવેલ મારી માસીની દીકરી સાથે ન કરવાનું કરી નાખેલ છે. આ ગેંગે નાનાભાઈના નગ્ન અવસ્થામાં ફોટા પાડી બતાવી કહ્યું કે તમને બળાત્કારમાં ફસાવી દઈશું અમારી પાસે પુરાવા છે. તેવુ કહેતા નાનાભાઈ પટેલે રૂ. 5 લાખ આ તમામ લોકો અને 22 વર્ષીય અજાણી યુવતીને આપ્યા હતા.બે દિવસ બાદ હિતેશ પ્રજાપતિએ રેખાબેનને ફોન કરી કહ્યું કે યુવતી 5 લાખમાં સમાધાન કરવાનું ના પાડે છે અને 8 લાખ માગે છે.

જેથી બળાત્કારની ફરિયાદમાં ફસાવાના ડરે નાનાભાઈ પટેલે તા.07-08-2020ના રોજ બીજા 3 લાખ રેખાબેનને આપતાં રેખાબેન હિતેશભાઈ પ્રજાપતિને આપવા ગયા હતા. તા. 19-08-2020ના રોજ હિતેશભાઈ નાનાભાઈ પાસે આવી કહ્યું કે નડીયાદમાં રોડ ટચ જમીન 12 લાખમાં મળે એમ છે જેથી મને હાથ ઉછીના રૂ.10 લાખ આપશો જેથી નાનાભાઈએ રૂ.10 લાખ આપતાં જમીનનો દસ્તાવેજ કરવાનો છે તેવુ કહેતા તા.25-08-2020ના રોજ રોજ નાનાભાઇ પટેલે તેમના સ્ટેટબેંકના ખાતામાંથી 70હજાર હિતેશભાઈના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

બીજા રૂ. 1.30 લાખ રોકડા આપ્યા હતા. લૂંટેરી દુલ્હનને આયોજન પુર્વકનો ઈરાદો પૂરો થઈ જતા માસી રાધાબેનના ઘરે રહેવા ગઈ હતી અને બે દિવસ પછી દક્ષાબેને ફોન કરેલો અને નાનાભાઈને કહેલ કે હું ગર્ભવતી છું અને બાળક તમારૂ છે. તમારે ત્યા કોઇ મારી દેખરેખ રાખવાવાળુ નથી એટલે હું અહીં રહુ છુ તેવી હકીકત જણાવી અને છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. દરમિયાન હિતેશ પ્રજાપતિને આપેલ રૂપિયાના સિક્યુરીટી પેટે સ્ટેટ બેંકના બે ચેક અને રેખાબેનનો બેંક ઓફ બરોડાનો એક ચેક મળી કુલ ત્રણ ચેક લીધા હતા.

જેમાંથી હિતેશ પ્રજાપતિના બે ચેક બેંક ખાતામાં નાખતા બેલેન્સ ન હોવાથી રિટર્ન થયા હતા. તે ચેક પરત અપાવવા નાનાભાઇને દબાણ કરાતું અને કહેતા કે તમારા અનેક નગ્ન ફોટાઓના પુરાવા છે જે ફોટો વાયરલ કરી દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં નાનાભાઈ પટેલે તેમના પુત્ર સિદ્ધાર્થ પટેલને જણાવતાં સિદ્ધાર્થ પટેલે મેઘરજના મહંમદ મકરાણીને ઓળખતો હોઇ મહંમદ મકરાણી સામેવાળા લોકોને ઓળખતો હોવાથી ખોટું બોલી સમાધાન કરાવી આપુ કહી આરોપીઓને મદદ કરી ચેક પરત અપાવી દીધા હતા.

પરંતુ કોરોના કારણે ફરિયાદ કરી ન હતી. લૂંટેરી દુલ્હનની સમગ્ર ઘટના બાબતે અને છેતરપિંડી બાબતે નાનાભાઈ વક્તાભાઈ પટેલે શુક્રવારે મેઘરજ પોલીસમાં 22 વર્ષીય અજાણી યુવતી ત્રણ મહિલા અને બે યુવક સામે હનીટ્રેપ,છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે.

હનીટ્રેપના આ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ
1. રેખાબેન રણછોડ મોહન રાવળ.(દુલ્હન)રહે,મકાન નં. 107 યોગીનગર સોસાયટી મિશન રોડ,નડીયાદ
2.રાધાબેન સોલંકી રહે.રતનપુર તા.નડિયાદ,જિ.ખેડા
3. અજાણી સ્ત્રી નામઠામ નથી
4.હિતેશ મનુભાઈ પ્રજાપતિ, ૮૬,ગીરીરાજ બંગ્લોજ શારદાસ્કૂલ મંદિર પાછળ નડીયાદ
5.દક્ષાબેન કીરીટભાઈ ખોડાભાઈ ભોઈ રહે.અમ્મિચ્ય કોમ્પલેક્ષ મોટી શાક માર્કેટ નડીયાદ
6.મહંમદ સુબાન મકરાણી રહે.મેઘરજ જિ.અરવલ્લી

અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી
તમારા અનેક નગ્ન ફોટાઓના પુરાવા છે જે ફોટો વાયરલ કરી દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા નાનાભાઈ પટેલે તેમના પુત્ર સિદ્ધાર્થ પટેલને જણાવતા સિદ્ધાર્થ પટેલે મેઘરજના મહંમદ મકરાણીને ઓળખતો હોય અને મહંમદ મકરાણી સામેવાળી દુલ્હનને ઓળખતો હોવાથી ખોટુ બોલી સમાધાન કરાવી આપુ કહી આરોપીઓને મદદ કરી હતી.

હિતેશે જમીનના નામે પણ ~10 લાખ પડાવ્યા
સમાધાન કરવા બે દિવસ પછી ફરી ફોન કરી સમાધાન માટે છોકરી 5 લાખમાં ના પાડે છે કહી ફરી રૂ.3 લાખ પડાવ્યા પછી હિતેશે જમીન લેવાનંુ કહી રૂ.10 લાખ પડાવ્યા અને રૂ.1.30 લાખ રોકડા પડાવ્યા હતા.

હું ગર્ભવતી છું અને બાળક તમારું છે કહી ઠગ્યો
લૂંટેરી દુલ્હનને આયોજન પુર્વકનો ઈરાદો પૂરો થઈ જતા માસી રાધાબેનના ઘરે રહેવા ગઈ હતી અને બે દિવસ પછી દક્ષાબેને ફોન કરેલો અને નાનાભાઈને કહેલ કે હું ગર્ભવતી છું અને બાળક તમારૂ છે. તમારે ત્યા કોઇ મારી દેખરેખ રાખવાવાળુ નથી એટલે હું અહીં રહુ છુ તેવી હકીકત જણાવી અને છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...