હિંમતનગર શહેરના હસનનગર વણઝારાવાસમાં એક માસ અગાઉ તોફાન થયા બાદ અસુરક્ષા અનુભવી રહેલ પરિવારોએ હિજરત કરવાનો પ્રયાસ કરતાં પોલીસે સુરક્ષા પોઇન્ટ મૂક્યો હતો અને જે તે સમયે કાયમી પોઇન્ટની વાત કરાઇ હતી તેને આગળ વધારતા વણઝારાવાસના રહીશોએ કલેક્ટરને કાયમી પોલીસ પોઇન્ટ ફાળવવા લેખિત રજૂઆત કરી હતી.
વધુમાં રહીશોએ આ વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ વધારવા માટે પણ કલેક્ટરને રજૂઆત કરી હતી વણઝાવાસ સમાજના લોકોએ કરેલ રજૂઆતની વિગત એવી છે કે ન્યાયમંદિર નજીક કિલ્લાની બાજુમાં આવેલ વણઝારાવાસમાં વણઝારા સમાજના 70 જેટલા પરિવારો રહે છે.
ગત તા.10-04-22 ના રોજ છાપરીયામાં થયેલ તોફાનો બાદ તા.11-04-22 ના રોજ વણઝારાવાસની આજુબાજુમાં રહેતા લઘુમતી સમાજના સેંકડો માણસોએ પેટ્રોલ બોંબનો મારો અને પથ્થર મારો કરી સાધનોને સળગાવી નુકસાન પહોંચાડ્યુ હતુ અને કેટલાક ઘરોમાં લૂંટ ચલાવી હતી ત્યારબાદ પોલીસ સુરક્ષા મળતા શાંતિ જળવાઇ રહી છે.
હવે આગામી સમયમાં અસામાજીક તત્વો ફરીથી માથુ ન ઊંચકે અને તેમનામાં ડર ઉભો થાય તે માટે નાઇટ પેટ્રોલીંગ ચાલુ કરવા અને કાયમી પોલીસ પોઇન્ટ મૂકવા વણઝારા સમાજ દ્વારા આવેદન પત્ર આપી માંગ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.