3 તાલુકામાં નુકશાની સર્વે:સાબરકાંઠામાં પાછોતરા વરસાદથી થયેલી અસરના પગલે કિસાન સંગઠનો દ્વારા તાલુકા મથકે રજૂઆત; 10 થી 25% નુકશાન હોવાનો રીપોર્ટ

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા

સાબરકાંઠા જિલ્લામાં પાછોતરો પાંચ દિવસ વરસાદ વરસતાં મગફળીના પાકમાં નુકશાન થયું હોવાની કિસાન સંગઠનો દ્વારા તાલુકા મથકે રજૂઆતને પગલે ત્રણ તાલુકામાં નુકશાની સર્વે કરાયો હતો. 10 થી 25 ટકા નુકશાન હોવાનો રીપોર્ટ ગાંધીનગર ખાતે કૃષિ નિયામકને મોકલી આપ્યો છે.

ખેડૂતોને 10 થી 25 ટકા નુકશાન થયું
સાબરકાંઠા જિલ્લામાં ખરીફ પાકનું 2 લાખ 30 હજાર હેકટરમાં વાવેતર થયું હતું. જેમાં સૌથી વધુ મગફળીનું 72 હાજર 966 હેકટરમાં, કપાસનું 48 હજાર 862 હેકટરમાં વાવેતર થયું હતું. ત્યારે ચોમાસામાં 6 ઓક્ટોમ્બર થી 10 ઓક્ટોમ્બર સુધી પાંચ દિવસ દરમિયાન પાછોતરો વરસાદ વરસ્યો હતો. જેને લઈને પાકમાં નુકશાન થયાનું કિસાન સંગઠનો દ્વારા તાલુકા મથકે સર્વે માટેની રજૂઆત કરી હતી. જેને લઈને ખેતીવાડી વિભાગ દ્વારા વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવકોની ટીમો બનાવી હતી જેમાં પ્રાંતિજમાં 16 ટીમ તલોદમાં 12 ટીમ અને ઇડરમાં 14 ટીમો બનાવી બે દિવસ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ખેડૂતોને 10 થી 25 ટકા નુકશાન થયાનું જણાયું હતું. જે અંગેનો નુકશાની સર્વે રીપોર્ટ ગાંધીનગર ખાતે કૃષિ નિયામકને મોકલી આપ્યો હતો.

તાલુકામાં સર્વે મુજબ પાક નુકશાનીનો લાભ મળે તેમ નથી
સાબરકાંઠા ખેતીવાડી વિભાગના મદદનીશ ખેતી નિયામક કેતુલ પટેલે જણાવ્યું હતું કે, પાછોતરા વરસાદ બાદ પ્રાથમિક ધોરણે 14100 હેક્ટર જેમાં ઇડર,તલોદ અને પ્રાંતિજ તાલુકા અસરગ્રસ્ત થયા હતા ત્યારબાદ ટીમો બનાવી ખેતરોમાં બે જઈને બે દિવસના સર્વે બાદ પ્રાંતિજમાં 4220 હેક્ટર,તલોદમાં 4075 હેક્ટર અને ઇડરમાં 5805 હેક્ટરમાં 10 થી 25 ટકા જેટલું નુકશાન થયેલું જણાયું હતું જેમાં મગફળીમાં નુકશાન થયું હતું. સરકારના નીતિનિયમ અને SDRF (State Disaster Response Fund)ના નોર્મ્સ મુજબ 33 ટકાથી વધુ નુકશાન હોય તો રૂ. 13500 પ્રતિ હેક્ટર પાક નુકશાનનો લાભ મળે છે તો, સાબરકાંઠા જીલ્લામાં ત્રણ તાલુકામાં સર્વે મુજબ પાક નુકશાનીનો લાભ મળી શકે તેમ નથી.

મગફળીને નુકશાન થતાં વળતર મળે તેવી માંગ કરી
હિંમતનગરના બેરણા ગામમાં એક ખેડૂતે 10 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું. પાછોતરા વરસાદને લઈને ખેતરમાં પાણી ભરાયું હતું જેથી મગફળીને નુકશાન થયું હતું જેને લઈને મગફળીના પાક પર રોટરી ફેરવી દીધી હતી.આ અંગે ખેડૂત કુમુદ પટેલે જણાવ્યું હતું કે, 1 લાખ 30 હજાર ખર્ચ કરી મગફળીનું વાવેતર કર્યું હતું અને પાક લેવાના સમયે પાછોતરો વરસાદ આવતાં પાણી ભરાઈ જતાં મગફળીને નુકશાન થયું જેથી, કંઈ હાથમાં આવ્યું નથી. તેથી વળતર મળે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...