રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. ગઈકાલે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ બાદ આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ સર્જાયો છે. મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડતા લોકો બફાટમાંથી બહાર આવ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
6 તાલુકાઓમાં મેઘમહેર
સાબરકાંઠા જિલ્લાના 6 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં વડાલીમાં પોણા બે ઈંચ,
વિજયનગરમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સાથે જ હિંમતનગરમાં વહેલી સવારે
ગાજવીજ અને પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ
તાલુકો | વરસાદ (ઈંચમાં) |
હિંમતનગર | 0.11 ઈંચ |
ઇડર | 0.31 ઈંચ |
વડાલી | 1.69 ઈંચ |
ખેડબ્રહ્મા | 0.19 ઈંચ |
પોષીના | 0.39 ઈંચ |
વિજયનગર | 0.90 ઈંચ |
અમદાવાદમાં 1 ઈંચ સુધી વરસાદ પડી શકે
અમદાવાદમાં રવિવારથી માંડી 15 જૂન સુધીમાં ગાજવીજ સાથે અંદાજે 1 ઈંચ આસપાસ વરસાદ પડવાની આગાહી છે. 13 જૂને સવારે ગાજવીજ સાથે વરસાદની સૌથી વધુ શક્યતા છે. શનિવારે બપોર પછી અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાણીપ, એસજી હાઈવે, ઘાટલોડિયા, ગોતા સહિતના કેટલાક વિસ્તારમાં છાંટા પડ્યા હતા. હજુ વરસાદનું આગમન થયું નથી પરંતુ ભારે બફારો અનુભવાય છે. શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહ્યું હતું. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થશે. હવામાન વિભાગના કહેવા મુજબ ગાજવીજ સાથે હળવા ઝાપટાંની શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.