ટ્રેનો શરૂ કરવા માંગ:ઉદયપુર-અમદાવાદ ગેજ કન્વર્ઝન પરિયોજના પૂર્ણ થયા બાદ રેલ્વે દ્વારા મંજૂર ટ્રેનો શરૂ ન કરાઈ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માત્ર અસારવા ઉદેપુર એક્સપ્રેસ ટ્રેન શરૂ કરાઈ,મંજૂર થયેલી તમામ ટ્રેનો શરૂ કરવા માંગ

ઉદયપુર-અમદાવાદ ગેજ કન્વર્ઝન પરિયોજના પૂર્ણ થઈ ગયા બાદ રેલ્વે દ્વારા મંજૂર થયેલી ટ્રેનો પણ ચાલુ ન કરાતા અપ-ડાઉન કરનારાઓ અને અન્ય પ્રવાસીઓ રેલસુવિધાથી વંચિત થઈ ગયા છે રેલવેના મૌન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.દેશના વડાપ્રધાને જે રેલ્વે રૂટનું ઉદ્ઘાટન કર્યું તેમાં જ રેલવે પ્રશાસનની તૈયારીઓના અભાવે નાગરિકો હાલાકીમાં મુકાયા છે.

ઉદેપુર-અમદાવાદ ગેજ કન્વર્ટેડ રેલ્વે સેકશન પર રેલ્વે બોર્ડ દ્વારા મંજુર કરાયેલી ટ્રેનો પણ શરૂ ન કરવાને કારણે સામાન્ય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચાલુ માસના પ્રારંભે દ્વારા રેલવે બોર્ડની મંજુરી અને એનડબલ્યુઆરના તા. 28/10/22 ના નોટિફિકેશન અનુસંધાને જયપુર-અસારવા-જયપુર અને અસારવા-જયપુર- અસારવા ટ્રેન નંબર 12981 તથા 12982 ચાલુ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ રેલવે દ્વારા અસારવા ઉદેપુર એક્સપ્રેસ માત્ર એક જ ટ્રેન શરૂ કરી છે જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને મંજૂર થયેલી તમામ ટ્રેનો જલ્દી શરૂ કરવા માંગ થઈ રહી છે. બીજી તરફ રેલવે પ્રશાસન અન્ય ટ્રેનો શરૂ કરવાના મુદ્દે મૌન સેવી રહ્યું છે.

આ રેલ્વે બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી ટ્રેનો
રેલ્વે બોર્ડે ઉદયપુર-અસારવા ઈન્ટરસિટી એક્સપ્રેસને પણ આ રૂટ પર દોડવા માટે મંજૂરી આપી છે જે ઈન્દોર-ઉદયપુર વીરભૂમિ એક્સપ્રેસના રેકનો ઉપયોગ કરીને સવારે 5.30 કલાકે ઉદયપુરથી ઉપડશે અને રાત્રે 10:55 કલાકે અસારવા પહોંચશે અને બપોરે 2.30 કલાકે પરત ઉદયપુર જશે.જ્યારે જયપુર-અસારવા એક્સપ્રેસને પણ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત અસારવાથી ડુંગરપુર આવતી ડેમુ પેસેન્જર ટ્રેનને પણ ઉદયપુર સુધી લંબાવી છે, પરંતુ તે ક્યારે શરૂ થશે તે અંગે હજુ મુંઝવણ છે.

બે ઝોન વચ્ચેના પરસ્પર ઝઘડાને કારણે લોકોને તકલીફ
ઉત્તર-પશ્ચિમ રેલવે અને પશ્ચિમ રેલવે વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ દેખાય છે. 30 ઓક્ટોબરની રાત્રે, 1 નવેમ્બરથી જયપુર અસારવા એક્સપ્રેસના નિયમિત સંચાલનનો સત્તાવાર પત્ર અને સમયપત્રક પશ્ચિમ રેલવે મુખ્યાલય દ્વારા જારી કર્યો હતો,પરંતુ સવાર સુધીમાં, ઉત્તર પશ્ચિમ રેલવેએ ટેકનિકલ કારણોસર કામગીરી સ્થગિત કરી દીધી હતી આખરે એવું કયું ટેકનિકલ કારણ સામે આવ્યું કે 29મી ઓક્ટોબરે વેસ્ટર્ન રેલવેએ આ ટ્રેનોને ચલાવવાની મંજૂરી આપી હોવા છતાં એક જ રાતમાં ટ્રેનને રદ કરવી પડી. રેલવેના જાણકારોનું કહેવું છે કે બંને ઝોનમાં ઘણા મુદ્દાઓ પર સંકલનનો અભાવ છે, જેના કારણે જનતાને ભારે હાલાકી ભોગવવી પડે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એન ડબલ્યુ આર-ઉત્તર પશ્ચિમ રેલવે પાસે બોગીજ ઉપલબ્ધ નથી જેને કારણે જયપુર અસારવા અને અસારવા જયપુર અપ એન્ડ ડાઉન બંને ટ્રેન શરૂ કરી શકાઇ નથી.

રેલવે સ્ટેશનો પર ચા-પાણીની કોઈ વ્યવસ્થા નથી
બહુપ્રતિક્ષિત રેલ્વે વિભાગને લોકો માટે સમર્પિત કરવા માટેની રેલ્વેની તમામ તૈયારીઓની પોલ ખુલી ગઇ છે રૂટ પરના મોટાભાગના સ્ટેશનો પર માત્ર ચા અપાઈ રહી છે. પાણીની સુવિધા પણ નથી. ડેરી કંપનીનું કિઓસ્ક ફક્ત ડુંગરપુર સ્ટેશન પર જ લગાવ્યું છે. રેલ્વેએ ટ્રેનમાં ઓન-બોર્ડ કેટરિંગ સુવિધા શરૂ કરી નથી, જેના કારણે ભીડભાડવાળા ઇન્ટરસિટીના મુસાફરોને ઘણી અસુવિધાનો સામનો કરવો પડે છે. ટ્રેન જ્યારે મોડી રાત્રે અસારવા પહોંચે છે ત્યારે સ્ટેશનથી ગંતવ્ય સ્થાન સુધીનું સાધન મેળવવું પણ મુશ્કેલ છે.

અન્ય સમાચારો પણ છે...