અસારવા-ઉદેપુર ટ્રેન આજથી ફરી શરૂ થઇ ગઈ છે. રવિવારે અસારવા-ઉદેપુર ટ્રેન રદ કરવામાં આવી હતી. તો ઉદેપુર તરફ ગયેલી ટ્રેન ડુંગરપુર નજીક જાવર-ખારવાચાંદ પાસે બ્રીજ પર બ્લાસ્ટ થવાને લઈને રેલવેના પાટાને નુકશાન થવાથી ટ્રેન ડુંગરપુરથી પરત અસારવા રાત્રે આવી હતી.
15 દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસારવા-ઉદેપુર ટ્રેન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. જે ટ્રેન સેવા શરૂ થતા ઉદેપુર જવા માટે મુસાફરો ટ્રેન આશીર્વાદ રૂપ સમાન સાબિત થઇ છે. ત્યારે રવિવારે આ ટ્રેન ડુંગરપુરથી રાત્રે પરત આવી હતી. જાવર-ખારવાચાંદ વચ્ચે રેલ્વે બ્રીજ પર બ્લાસ્ટ કરવામાં આવતા રેલવે પાટાને નુકશાન થયું હતું. જેને લઈને ટ્રેન ઉદેપુર ગઈ ન હતી અને ડુંગરપુરથી રાત્રે પરત અસારવા આવી હતી. આ અંગે વેસ્ટર્ન રેલવ્ના પીઆરઓએ જણાવ્યું હતું કે, રવિવારે જાવર-ખારવાચાંદ પાસે બ્રીજ પર રેલખંડ ફ્રેકચર થયું હતું. જેને લઈને અસારવા-ઉદેપુર ટ્રેન ડુંગરપુર પહોંચી હતી. ત્યારબાદ ટ્રેન ત્યાંથી પરત રાત્રે અસારવા આવી હતી. તો ઉત્તર પશ્ચિમ રેલવે અજમેરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જે રેલવે લાઈન ફ્રેકચર થઇ હતી ત્યાં રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા યુદ્ધ સ્તર પર કામગીરી કરવામાં આવી હતી. અને રેલ્વે ટ્રેક તૈયાર થઇ ગયો છે.
સોમવારે સવારના સમયે અસારવા-ઉદેપુર ટ્રેન ફરી શરૂ થઇ હતી અને અસારવાથી નીકળી હતી. જે ટ્રેન હિંમતનગર રેલવે સ્ટેશને 8:25 વાગ્યે આવી હતી. ત્યારબાદ 8:30 વાગ્યે ઉદેપુર તરફ જવા રવાના થઇ હતી. આમ નુકશાન થયેલા રેલવેના પાટાનું રીપેરીંગ થઇ જવાના કારણે ફરી રેલ સેવા શરૂ થઇ ગઈ છે. તો ગઈકાલે ડુંગરપુર થી ઉદેપુરના 650 મુસાફરોને ટ્રેન રદ થતા બસમાં રવાના કરવામાં આવ્યા હતા અને રીફંડ પણ આપવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.