30 નવેમ્બરે PM હિંમતનગરમાં સભા ગજવશે:વૈશાલી ગ્રાઉન્ડ પાસે નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાશે; જાહેરસભાને લઈને તૈયારીઓ પુરજોશમાં શરૂ

સાબરકાંઠા (હિંમતનગર)7 દિવસ પહેલા

સાબરકાંઠાની ચાર વિધાનસભામાં ભાજપના ઉમેદવારો માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચુંટણીના પ્રચાર માટે હિંમતનગર આવશે. જેને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. તો બીજી તરફ ભાજપના સ્ટર પ્રચારકો જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કેન્દ્રિય મંત્રીઓની સભા યોજાઈ હતી. ત્યારે આગામી 30 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા યોજાવાની છે. તો 1થી 3 ડિસેમ્બરના રોજ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની જાહેરસભા યોજાશે તેવું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સુરેશ પટેલે જણાવ્યું હતું.

દરેક પાર્ટીએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે
સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભાની બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિતના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરી દીધા બાદ માન્ય ઉમેદવારોએ વિધાનસભા વિસ્તારના ગામોમાં ચુંટણી પ્રચાર શરુ કરી દીધો છે. ત્યારે હિંમતનગર વિધાનસભા બેઠક પર ભાજપના વી.ડી.ઝાલા, કોંગ્રેસના કમલેશ પટેલ, આમ આદમી પાર્ટીના નિર્મલસિંહ પરમાર, ઇડર વિધાનસભા પર ભાજપના રમણલાલ વોરા, કોંગ્રેસના રામભાઈ પટેલ, આમ આદમી પાર્ટીના જયંતીભાઈ પ્રણામી, ખેડબ્રહ્મા વિધાનસભા પર ભાજપના અશ્વિન કોટવાલ, કોંગ્રેસના તુષાર ચૌધરી, આમ આદમી પાર્ટીના બીપીનભાઈ ગામેતી, પ્રાંતિજ વિધાનસભામાં ભાજપના ગજેન્દ્રસિંહ પરમાર, કોંગ્રેસના બેચરસિંહ રાઠોડ, આમ આદમી પાર્ટીના અલ્પેશ પટેલ દરેક ઉમેદવાર સવારે પોતાના સમર્થકો સાથે ગામડાઓમાં પ્રચાર માટે નીકળી અને મતદારો સાથે ગામેગામ સભા યોજી ચુંટણી પ્રચાર કરી રહ્યા છે.

30 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાશે
ચાર વિધાનસભા માટે હિંમતનગરમાં વૈશાલી ગ્રાઉન્ડ પર 30 નવેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાવવાની છે. જેને લઈને સભા માટેની તૈયારીઓ પુરજોશમાં શરુ થઇ ગઈ છે. તો બીજી તરફ ભાજપના ચુંટણી પ્રચાર માટે મંગળવારે એક જ દિવસમાં ખેડબ્રહ્મામામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઇડરમાં કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા, હિંમતનગરમાં કેન્દ્રિયમંત્રી પુરષોત્તમ રૂપાલા અને પ્રાંતિજમાં મહારષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ચુંટણી માટેની સભા યોજાઈ હતી. બીજી તરફ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી દ્વારા હજી કોઈ મોટી સભા યોજાઈ નથી. તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની સભા યોજાઈ શકે છે.

જગદીશ ઠાકોરની 1થી 3 ડીસેમ્બર દરમિયાન સભા યોજાશે
વિધાનસભાની ચુંટણી માટે મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ત્યારે ઉમેદવારોના પ્રચાર માટે 9 દિવસ બાકી રહ્યા છે. દરેક રાજકીય પક્ષ દ્વારા ચુંટણી પ્રચાર પુરજોશમાં શરુ કરી દીધો છે. જિલ્લા ભાજપના પ્રમુખ જે.ડી.પટેલે જણાવ્યું હતું કે, મંગળવારે ચાર વિધાનસભામાં ચુંટણી સભા યોજાઈ છે અને હવે 30 નવેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા હિંમતનગરમાં યોજાવવાની છે. ત્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સુરેશ પટેલે જણાવ્યું હતું કે, હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ વિધાનસભામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની 1થી 3 ડીસેમ્બર દરમિયાન ચુંટણી સભા યોજાશે. આમ આદમી પાર્ટીના ફારુક ખણુસિયાએ જણાવ્યું હતું કે, હજી કોઈ સભા યોજવાનો કાર્યક્રમ આવ્યો નથી, પરંતુ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ચુંટણી સભા યોજાઈ શકે છે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...