મગફળીના ઓછા ભાવ મળતા ખેડૂતો વિફર્યા!:ઇડર માર્કેટયાર્ડની ઓફિસોની લાઈટો અને ગેટ બંઘ કરી વિરોધ નોંધાવ્યો; સમજાવટ બાદ હરાજી ફરી શરુ કરાઈ

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા

સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં ખેડૂતોને મગફળીના ઓછા ભાવ મળતા વિફર્યા હતા અને માર્કેટયાર્ડનો ગેટ બંધ કરી ઓફિસોની લાઈટ બંધ કરી ખેડૂતોએ વિરોધ કર્યો હતો. માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને સમજાવટ બાદ હરાજી ફરી શરુ થઇ હતી.

માર્કેટયાર્ડનો ગેટ બંધ કરી દેતા વાહનોની કતારો લાગી
આ અંગેની વિગત એવી છે કે, હાલમાં મગફળીનો પાક તૈયાર થઇ ગયો છે, જેને લઈને ખેડૂતોએ કાપણી કરી મગફળીને વેચવા માટે માર્કેટયાર્ડ પહોચી જાય છે. ત્યારે મંગળવારે ઇડર માર્કેટયાર્ડમાં ખેડૂતો મગફળી લઈને આવ્યા હતા અને હરાજી શરુ થઇ હતી. પરંતુ રૂ.1300થી હરાજી શરુ થઇ હતી અને રૂ.1400 સુધીનો ભાવ પડ્યો હતો. જેને લઈને ખેડૂતોને સરેરાંશ કરતા પણ ઓછા ભાવ મળતા ખેડૂતો વિફર્યા હતા અને માર્કેટયાર્ડનો ગેટ બંધ કરી દીધો હતો, જેને લઈને વાહનોની લાંબી કતાર લાગી હતો. તો બીજી તરફ માર્કેટયાર્ડના ઓફિસોની લાઈટો પણ બંધ કરી દીધી હતી. આમ ઓછા ભાવ મળતા ખેડૂતો વિરોધ કર્યો હતો.

ખેડૂતો સાથે સમાધાન થતા ફરીથી હરાજી શરુ
આ અંગે ઇડર માર્કેટયાર્ડના મેનેજર ઇન્દ્રજીતસિંહ ચંપાવતે જણાવ્યું હતું કે, એક મહિનાથી મગફળીની ખરીદી ચાલુ છે. તો દરરોજની 5 હજાર બોરીની આવક થાય છે અને અત્યાર સુધીમાં 70થી 80 હજાર મગફળીની બોરીની આવક થઇ છે. તો સરકારી ટેકાના ભાવ 1180 છે, ત્યારે હરાજીમાં તેના કરતા પણ વધુ એટેલે કે 1300 રૂપિયાથી શરુ થાય છે. તો ખેડૂતોએ ભાવને લઈને વિરોધ કર્યો હતો જેને લઈને 15થી 20 મિનીટ ગેટ બંધ રહ્યો હતો અને ખેડૂતો સાથે સમાધાન થતા ફરીથી હરાજી શરુ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...