મતદાન જાગૃતિ અભિયાન:સાબરકાંઠા જિલ્લામાં 'સ્વીપ' અંતર્ગત 1543થી વધુ શાળા-કોલેજોમાં કાર્યક્રમો યોજાયા; સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર-પ્રસાર કરાયો

સાબરકાંઠા (હિંમતનગર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી – 2022માં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન પ્રોગ્રામ એટલે કે “સ્વીપ” દ્વારા જિલ્લાનાં ચાર વિધાનસભા મતક્ષેત્રોના મતદારો માટે મતદાન જાગૃતિ અને મતદાન સહ ભાગીદારીતા માટે અનેકવિધ કાર્યક્રમો થકી જાગૃતતા લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય પાત્રતા ધરાવતાં તમામ નાગરિકોને પ્રોત્સાહિત કરી મતદાન કરવા પ્રેરિત કરવાનો છે. જે અંતર્ગત શાળા અને કોલેજોમાં કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.

રેલીઓ અને સભાઓના આયોજન
સ્વીપ નોડલ અધિકારીએ જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાં “સ્વીપ” અંતર્ગત 1493થી વધુ શાળાઓ અને 50થી વધુ કોલેજોમાં ચૂંટણીલક્ષી સાક્ષરતા ક્લબ (ELC)ની સ્થાપના દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમો, કોલેજોમાં નવા મતદારોને જાગૃત કરી નોંધણી કરાવવી, બાળકો માટે ચિત્ર, રંગોળી, પોસ્ટર સહીતની વિવિધ સ્પર્ધાઓ, બાળકોની મદદથી મોકપોલની પ્રવૃતિ, વાલીઓ દ્વારા મતદાન કરવા માટેના સંકલ્પ પત્રો, સામાજિક સંસ્થાઓની મદદથી મતદાન જાગૃતિ અંતર્ગત રેલીઓ અને સભાઓના આયોજન સહિતની મુખ્યત્વે કામગીરી કરવામાં આવી હતી.

મતદાન કરવા અંગે અવગત કરાયા
લોકશાહીના આ પાવન અવસરે જિલ્લામાં જ્યાં ઓછું મતદાન થતું હોય તેવા 42 જેટલા શહેર-ગામોમાં આશરે 72 હજારથી વધુ નાગરિકોને “અવસર રથ” દ્વારા મતદાન કરવા અંગે અવગત કરવામાં આવ્યા હતાં. જિલ્લાના તમામ નાગરિકો અવશ્ય મતદાન કરે તે માટે 1.60 લાખ વધુ સંકલ્પ પત્રો અને મતદાન માટે વધુમાં વધુ ઈ-શપથ લેવાય તે હેતુસર સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમો જેવા કે વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર વગેરેની મદદથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ એપ્લીકેશન, મતદાર હેલ્પ લાઇન 1950નો લોકો ઉપયોગ કરે અને ચૂંટણીની પ્રક્રિયા વિશે માહિતી મેળવે તે માટે જિલ્લાની 1420થી વધુ શાળાઓમાં કામગીરી ચાલી રહી છે.

મતદાન જાગૃતિના અંદાજીત 15 કાર્યક્રમો થશે
ઉલ્લેખનીય છે કે, શાળાઓની સાક્ષરતા કલબની મદદથી વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો દ્વારા GIDC, મોલ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન સહિતના સ્થળો પર મતદાન જાગૃતિના અંદાજીત 15 જેટલા કાર્યક્રમો થશે. PWD અને સિનિયર સિટીઝન મતદારો માટે BLO અને અન્ય કર્મચારીઓની મદદથી મતદાનના દિવસે સુનિશ્ચિત મતદાન થાય તેવા પ્રયાસો સ્વીપ દ્વારા હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...