બોધ:મનને પ્રસન્ન રાખવા ઉપદેશ જરૂરી છે : મ.સા.

હિંમતનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર શહેરના મહાવીરનગરમાં મહારાજ સાહેબનું પ્રવચન

શ્રી મહાવીરનગર જૈન સંઘના આંગણે ઉપદેશ માલા ગ્રંથના આધારે શ્વેતાંબર જૈન બોધદાયક પ્રવચનમાળાની આગળની કડીમાં મુની જ્ઞાનોદય વિજય મહારાજ અને પંચામૃત વિજય મહારાજે પ્રવચનમાં જણાવ્યું કે આ પવિત્ર ગ્રંથના રચયિતા પૂજ્ય ધર્મદાસ ગણી મહારાજ છે. જેઓ સંસારી અવસ્થામાં રાજા હતા. સંસારના છળ, પ્રપંચ, કાવા-દાવા નો અનુભવ કરીને વૈરાગ્ય દશા પામી શ્રમણ ભગવાન મહાવીરના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી. પ્રભુના શિષ્ય બની જન્મ સફળ કર્યો હતો. રાજ્યના સુખોમાં જેટલો આનંદ હતો તેથીય ઘણો અધિક આનંદ સુખોના ત્યાગમાં, પ્રભુના શિષ્ય બનવામાં હતો.

તેઓનું 14 પૂર્વેનું જ્ઞાન હતું. આપણી સાદી ભાષામાં 14 પૂર્વેનું જ્ઞાન એટલે આખા વિશ્વની તમામ ભાષા, વિશ્વના તમામ પુસ્તકો, વિશ્વના તમામ જનસમુદાયના મનમાં શું છે ? તેમનો ભૂતકાળ અને ભાવિકાળની સચોટ - સ્પષ્ટ જાણકારી ! ( અતિદૂરના ભૂત-ભાવી નું જ્ઞાન નહીં) સ્થૂલ ભાષામાં આ સમજણ આપી છે તેઓશ્રીનું જ્ઞાન માપી શકીએ એવી ક્ષમતા આપણી નથી.

ઉપદેશ દુનિયાના તમામ વ્યક્તિઓ માટે અતિ જરૂરી છે. જો દુનિયાના તમામ જીવો એમ માને કે મારે જીવન સુધારવા ગુણો મેળવવા દયા-દાન, પરોપકાર, અહિંસા, સંતોષ, પ્રામાણિકતા, વિનય, વિવેક, ઔચિત્ય, સરળતા, ગુણાનુંરાગ, કૃતજ્ઞતા વગેરે પ્રાપ્ત કરવા ઉપદેશ (સત્સંગ પ્રવચન, સંતવાણી, પ્રભુવાણી ) સાંભળવો છે તો કોર્ટ-કચેરી, પોલીસ સ્ટેશન, જેલનો કાર્યભાર અતિહળવો થયા વિના ન રહે બધા અનર્થો નું મૂળ શું છે ? મને બધું આવડે છે, મને બધી ખબર છે, હું બધું જાણું છું, મારે આત્મહિત માટે કાંઈ શીખવાનું બાકી નથી. " આઈ એમ સમથિંગ ’ અને તમામ સુખોનું મૂળ શું છે ? હું અધૂરો, હું અપૂર્ણ, હું અજ્ઞાની, ઘણું શીખવાનું બાકી છે મારે.

શરીરને ટકાવવા નીરોગી રાખવા રોગોને દૂર કરવા જેમ હવા, પાણી, ખોરાક, ઔષધ, ડોક્ટર, વૈધ ખૂબ જરૂરી છે તેમ મનને પ્રસન્ન રાખવા, મનના આરોગ્યને પામવા ( શરીરના આરોગ્યથીય અધિક મહત્વનું મનનું આરોગ્ય છે. શરીર બીમાર પરંતુ મન સ્વસ્થ તો માણસ સુખનો અહેસાસ કરશે. શરીર સ્વસ્થ પણ મન સંક્લેશમાં તો માણસ દુઃખનો અનુભવ કરશે બરાબર ને ?) ઉપદેશ ખૂબ જ જરૂરી છે. બોધદાયક પ્રવચનમાળા સાંભળવા અનેક આત્માર્થી પુણ્યત્માઓ દરરોજ આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...