હેડક્લાર્ક પેપર લીક કેસ:પ્રાંતિજ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી, પાલીતાણાના આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં 6 દિવસના રિમાન્ડ મંજૂર

પ્રાંતિજ15 દિવસ પહેલા
પેપરલીક કાંડના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો
  • પેપર લીકમાં આજ સુધી એક પછી એક નામ ખુલતા આરોપીઓનો આંક 54 થયો
  • અત્યાર સુધી 36 આરોપીઓની ધરપકડ કરાઈ, 27 આરોપીઓ જામીન પર અને 9 જેલમાં

2021માં 12 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. ત્યારે આજે પેપર લીક કેસમાં પાલીતાણાના સોનપરી ગામના તુષાર મેરની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરી કોર્ટ સમક્ષ પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી. પરંતુ કોર્ટ દ્વારા 16 જૂન એટલે કે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પ્રાંતિજ પોલીસે 14 હજાર પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી
પેપર લીક મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 6 મહિના પહેલા 11 સામે નોંધાઇ હતી. ફરિયાદ બાદ અને જે તે સમયે અગાઉ 11 આરોપીઓની ધરપકડ કર્યા બાદ અત્યારે નવા નામો ખુલ્યા છે. પેપર લીકમાં આજ સુધી એક પછી એક નામ ખુલતા આરોપીઓનો આંક 54 થયો છે. અત્યાર સુધી 36 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 27 આરોપીઓ જામીન પર છે અને ધરપકડ કરાયેલા 9 આરોપી છે. આરોપીઓ હાલ સબ જેલમાં હોવાનું જાણવા મળ્યું છે. ચાર મહિના પહેલા પોલીસે 33 આરોપીઓની અંદાજે 14 હજારની પાનાની ચાર્જશીટ પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરી છે.

ગઈકાલે પ્રાંતિજ પોલીસે આરોપીની અટકાયત કરી હતી
ગઈકાલે પ્રાંતિજ પોલીસે આરોપીની અટકાયત કરી હતી

પેપરલીક કાંડના આરોપીઓની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી
દેવલ પટેલ, મંગેશ શિર્કે, કિશોર આચાર્ય, દિપક પટેલ, જયેશ પટેલ, મહેશ પટેલ (ન્યૂ રાણીપ), ચિંતન પટેલ(પ્રાંતિજ), કુલદીપ પટેલ (કાણિયોલ, હિંમતનગર), ધ્રુવ પટેલ, દર્શન વ્યાસ, સુરેશ પટેલની ધરપકડ થઈ હતી.

યુવરાજસિંહ જાડેજાએ પુરાવા આપ્યા હતા
પેપર લીક કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ આજે ગૌણ સેવા પસંદગી મંડળને કેટલાક પૂરાવાઓ આપ્યા હતા. સાથે જ તેમણે ગૌણ સેવા પસંદગી મંડળને આ મામલે ફરિયાદી બનવા અરજી કરી હતી. ત્યારે યુવરાજ સિંહે તેમની પાસે રહેલા ચોક્કસ નક્કર પુરાવાઓને ગોપનિયતા જાળવવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આપ્યા હતા. ઉપરાંત તેણે પોતે પણ તપાસમાં જરૂર પડે ત્યાં સહાય કરવા તૈયાર દર્શાવી હતી.

પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઈઝરે 9 લાખમાં પેપર વેચ્યું હતું
સાણંદમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઈઝર કિશોર આચાર્યએ 9 લાખ રૂપિયામાં મંગેશ નામની વ્યક્તિને આ પેપર વેચ્યું હતું. ગાંધીનગર એલસીબીએ કિશોર આચાર્યની અટકાયત કરી તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે કિશોર મંગેશની પત્નીના કૌટુંબિક કાકા થાય છે અને તે પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. જ્યારે અન્ય આરોપી દીપક પટેલ સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે, જેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

પોલીસ આરોપી સુધી કેવી રીતે પહોંચી?
પરીક્ષા અગાઉ સંપર્કમાં રહેલા ગાંધીનગરના દીપક પટેલની ઓળખ કરવામાં આવી હતી. આ દીપક પટેલને એલ.સી.બી. કચેરી ખાતે પૂછપરછ કરતાં તેણે આ પ્રશ્નપત્ર નરોડા ખાતે રહેતા મંગેશ શિર્કે પાસેથી મેળવી 9 લાખ રૂપિયામાં 9 ડિસેમ્બરે પ્રાંતિજના દેવલ પટેલ તથા જયેશ પટેલને આપ્યું હોવાની કબૂલાત કરી હતી. અમદાવાદના મંગેશ શિર્કેને આ પ્રશ્નપત્ર પોતાની પત્નીના કૌટુંબિક કાકા કિશોર આચાર્ય પાસેથી મેળવ્યું હતું. આ કિશોર આચાર્યને પ્રિન્ટિંગ પ્રેસમાં ગૌણ સેવા પસંદગી મંડળે પ્રશ્નપત્ર પ્રિન્ટિંગ માટે આપ્યું હુતું. તે પ્રિન્ટિંગ પ્રેસમાં પ્રિન્ટિંગ સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે.

પોલીસે શનિવારે આરોપીને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા
પોલીસે શનિવારે આરોપીને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા

ત્રણ ગ્રુપમાં પેપર સોલ્વ કરાવાયા હતા
ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાના પેપર લીક કેસમાં ત્રણ દિવસ સુધી સતત તપાસ ચાલી. પોલીસે પહેલા શકમંદોને પકડવાનું કામ કર્યું. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. પેપર ફૂટ્યાના પહેલા દિવસે જ 6 લોકોને પકડી લેવામાં આવ્યા હતા, એક જ જિલ્લામાં ત્રણ ગ્રુપમાં પેપર સોલ્વ કરાવાયા હતા. આ અંગે ત્યારે હર્ષ સંઘવીએ પત્રકારોને કહ્યું હતું કે, આ કેસમાં અત્યાર સુધીમાં 10માંથી 6 લોકોની ધરપકડ કરાઈ છે, જેમાં મહેશ પટેલ, ચિંતન પટેલ, કુલદીપ પટેલ, ધ્રુવ પટેલ, દર્શન વ્યાસ, સુરેશ પટેલની ધરપકડ કરાઈ છે. 24થી વધારે પોલીસની ટીમ કાર્યરત હતી. ગુનામાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સરકાર તરફથી 406, 406, 409, 120 હેઠળ ગુનો દાખલ કરાયો છે.

186 જગ્યા પર ભરતી યોજાઈ હતી
કોરોનાને કારણે સરકારી નોકરીની ભરતીમાં પણ વિલંબ થયો હતો. હેડ ક્લાર્કની 186 જગ્યા માટે યોજાયેલી પરીક્ષામાં રાજ્યભરનાં 6 શહેરમાં 782 કેન્દ્રમાં પરીક્ષા લેવાઈ હતી, જેમાં 88 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જે અગાઉ કોરોનાને કારણે મોકૂફ રખાઈ હતી. પરીક્ષા માટે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યાં હતાં.

પેપરની નકલ 10થી 15 લાખ રૂપિયામાં વેચવાની હતી
પેપર લીક મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું કે, પરીક્ષા પહેલાં જ કોઈ સરકારી નોકરની મદદથી કે અન્ય કોઈ પ્રકારે મેળવીને તેને 10થી 15 લાખ રૂપિયામાં પરીક્ષાર્થીઓને વેચી પેપરની નકલ સાથે પુસ્તકો ઉપલબ્ધ કરાવી પ્રાંતિજ, હિંમતનગર અને વીસનગરમાં પેપર સોલ્વ કરવાની તેમજ અહીંથી પરીક્ષાર્થીઓને તેમનાં નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની સગવડ કરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...