દીવ દમણ-લક્ષદ્વીપના પ્રશાસક શાળાની મુલાકાતે:પ્રફુલ પટેલે હિંમતનગર શાળાની મુલાકાત લીધી; શિક્ષકો અને શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી જરૂરી સૂચનો કર્યા

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના વગડી ગામના અગ્રણીઓ અને વાલીઓના નિમંત્રણને લઈને ગામની પ્રાથમિક શાળામાં દીવ દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો, તો જરૂરી સૂચનો પણ આપ્યા હતા. સાથે મુલાકાતમાં હિમતનગર ધારાસભ્ય વી.ડી.ઝાલા અને પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પણ જોડાયા હતા.

પ્રફુલ પટેલ પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચ્યા
હાલમાં રાજ્યમાં મુખ્યમંત્રી અને સરકારના મંત્રીઓ ઓચિંતી કચેરી હોસ્પિટલ સહિત વિવિધ વિભાગોમાં મુલાકાત લેતા હોય છે. ત્યારે વગડી ગામના આગેવાનો અને વાલીઓના નિમંત્રણને લઈને દીવ દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ પ્રાથમિક શાળાની મુલાકાતે પહોચ્યા હતા.

અભ્યાસ ક્રમને લઈને કેટલાક સવાલો પણ પૂછ્યા
શાળામાં આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. વિધાર્થીઓના ક્લાસ પણ દીવ દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફૂલ પટેલે લીધા હતા અને વિદ્યાર્થીઓને વાંચન કરાવ્યું હતું. ઉપરાંત અભ્યાસ ક્રમને લઈને કેટલાક સવાલો પણ પૂછ્યા હતા.

વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે પરિવારની ભાવના પણ કેળવાય
શાળાની મુલાકાતે આવેલા દીવ દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે શાળાનું શિક્ષણ કાર્ય અને પ્રાથમિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું, તો સરકારની સવલતોનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓના શૌચાલય અને પીવાના પાણીની સુવિધા નિરીક્ષણ કર્યા બાદ શિક્ષકોને સ્વચ્છતા જાળવા ટકોર પણ કરી હતી. સાથે જ જરૂરી સુચન પણ કર્યું હતું કે, શિક્ષકોએ પોતાના અને પરિવારના જન્મદિવસે કેક કાપવી કે ચોકલેટ આપવી તેના બદલે જન્મદિવસની ઉજવણીએ વિદ્યાર્થીઓને ફણગાવેલા કઠોળ, ફળફળાદી, પૌષ્ટિક આહાર જેવી ખાદ્ય ચીજો આપી ઉજવણી કરવી. જેને લઈને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે પરિવારની ભાવના પણ કેળવાય.

શાળાની મુલાકાત લઈ નવો વિચાર મુક્યો
​​​​​​​
તેમણે વિદ્યાર્થીઓના ભણતર અને ગણતર વિશે ટકોરો પણ કરી હતી અને ગામના કે શાળાના નિવૃત શિક્ષક અને કર્મચારીઓ દ્વારા સાત દિવસમાં એક દિવસ નબળા વિધાર્થીઓના ક્લાસ લેવા જોઈએ અને નબળાઈ દુર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. પોષી પુનમને લઈને દીવ દમણ અને લક્ષદ્વીપ ના પ્રશાસક પ્રફુલ પટેલે ભગવાન શામળિયાના આશીર્વાદ મેળવ્યા બાદ નિમંત્રણને લઈને શાળાની મુલાકાત લઈને નવો વિચાર મુક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...