હિંમતનગરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો વિજય સંકલ્પ રોડ શો યોજાયો હતો. જૂની સિવિલ સર્કલથી પ્રારંભ થઈ અને ટાવર ચોકમાં પૂર્ણ થયો હતો. તે દરમિયાન આ રોડ શોમાં ભળી ગયેલા ખિસ્સાકાતરુએ બે જણાનાં ખિસ્સાં કાપી રૂ. 1 લાખથી વધુ રોકડ ચોરી થતાં બંને જણાએ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરી હતી. જેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વિજય સંકલ્પ રોડ શો દરમિયાન પ્રારંભે જ હિંમતનગરના જૂની સિવિલ સર્કલ પાસે જ ભાજપના કાર્યકર્તા અલ્પેશ બારોટના ખિસ્સામાંથી રૂ. 60 હજાર રોકડ અને ત્યારબાદ આ વિજય સંકલ્પ રોડ શો ખાડિયા વિસ્તારમાં પહોંચ્યો હતો. જ્યાં પિનાકીનભાઈ શાહના પાછળના ખિસ્સામાંથી રોકડ 50 હજારથી વધુ રકમ ખિસ્સાકાતરુ રોડ શોમાં જોડાઈને લઈ ગયા હતા. જેને લઈને બંને જણા હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને પોલીસને સમગ્ર ઘટના જણાવી હતી. પોલીસે હાલ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.
આ અંગે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.વી. જોષીએ જણાવ્યું હતું કે, અલ્પેશભાઈ અને પિનાકીનભાઈનાં ખિસ્સાં કપાયાં છે અને રોકડ રકમની ચોરી થઇ છે. તે અંગે અરજી લીધા બાદ તેમણે આપેલા વીડિયો આધારે હિંમતનગરના નેત્રમના સીસીટીવીના કેમેરાના ફૂટેજની તપાસણી સ્ટાફ દ્વારા શરૂ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.