ઇડર સહકારી જીન પાસે પોતાનુ કોઇ ભંડોળ ન હોવાથી ખેડૂતો પાસેથી ખરીદેલ કપાસનુ ચૂકવણુ કરવા બેંકમાંથી ધિરાણ મેળવતા તેનુ વ્યાજ, જીનીંગ પ્રોસેસીંગનો ખર્ચ વગેરે મોંઘુ પડી રહ્યુ હોઇ સંસ્થાનુ પોતાનુ ભંડોળ ઉભુ કરવા આગળના ભાગમાં શોપીંગ કોમ્પ્લેક્સ બનાવી વેચાણ કરવાનુ આયોજન કરવાના મામલે વિરોધનો વંટોળ ઉભો થયો હતો. બાદમાં મામલો બોર્ડ ઓફ નોમિનીઝ મહેસાણા કોર્ટમાં પહોંચ્યો હતો. તા.16/05/22ના રોજ દુકાનોના વેચાણ સહિતની તમામ કામગીરી ઉપર કાયમી સ્ટે આપવતા ખળભળાટ મચી ગયો છે.
ઇડર સહકારી જીન મીલના ચાલુ વ્યવસ્થાપક કમિટીના સભ્યોએ અંગત લાભ લેવાના હેતુથી નવા સર્વે નં.78 ની જમીન એનએ કરાવી હેતુફેર કરવા ઠરાવી વેચાણ કરવાની સત્તા ચેરમેનને આપી હતી અને વ્યવસ્થાપક કમિટી દ્વારા તા.25/06/19ના રોજ ઠરાવ નં. 4માં સંસ્થામાં ભંડોળ ઉભુ કરવા નવા સર્વે નં.78માં પ્લાન રિવાઈઝ કરી આગળના ભાગમાં કોમ્પ્લેક્ષ બનાવી તેનું વેચાણ કરવાની સત્તા ચેરમેનને અપાઇ હતી. જીનની 70 સભાસદ મંડળીઓ પૈકી 53 મંડળીઓએ વ્યવસ્થાપક કમિટીની એક તરફી કાર્યવાહીનો વિરોધ કરી આ ઠરાવ મામલે કાનૂની કાર્યવાહી કરવા નક્કી કર્યા બાદ ફીચોંડ ગૃપ સેવા સહકારી મંડળીના કોમલકુમાર ચીમનભાઇ પટેલે બોર્ડ ઓફ નોમિનીઝ મહેસાણા કોર્ટમાં દાદ ગુજારી હતી.
હોદ્દેદારોના લોહીના સંબંધવાળાને દુકાનો વેચાણ આપવાની ન હતી છતાં મળતીયાઓને ઓછા ભાવે દુકાનો આપવા હરાજી માટે ઘડેલા નિયમોમાં પેરા નં. 3 અનુક્રમ નં. 13 માં છટક બારી મૂકી હતી કે હરાજીમાં ભાગ લઇ દુકાનની ખરીદી કરી હોય અને સંજોગવશાત દસ્તાવેજ કર્યા અગાઉ નામમાં ફેરફાર કરવાનો થાય તો રૂ.300 ના સ્ટેમ્પ પેપર પર સંમતિ કરાર કરી શકાશે અને તેનો લાભ લઇને ડીરેક્ટર ધીરૂભાઇ બેચરભાઇ પટેલના મળતીયા રઘજીભાઇ મોતીભાઇ પટેલને હરાજીમાં ભાગ લેવડાવી પ્રવીણકુમાર ધીરૂભાઇ પટેલને દુકાન નં.5નો દસ્તાવેજ કરી આપ્યો છે.
દુકાન નં. 27 જીનના ચાલુ હોદ્દેદાર અને ડીરેક્ટર જયંતિભાઇ ડાહ્યાભાઇ પટેલના પુત્રવધુ ભારતીબેન ગૌરાંગભાઇ પટેલના નામે દસ્તાવેજ કરાયો છ. અંગત લાભ મેળવવા જ બનાવ્યાના આક્ષેપ સાથે સર્વે નં.78માં કોમ્પ્લેક્સ બનાવી દુકાનો વેચવાની ચેરમેનને સત્તા આપવાનો ઠરાવ અને સંસ્થાના પેટા નિયમમાં જણાવેલ ઉદ્દેશો વિરુધ્ધની કાર્યવાહી સહકારી જીન કરે નહી અને કરાવે નહી માટે મનાઇ હુકમની દાદ ગુજારતા સંયુક્ત રજીસ્ટ્રાર અને સદસ્ય બોર્ડ ઓફ નોમીનીઝે દાવાના આખરી નિર્ણય સુધી કાયમી મનાઇ હુકમ ફરમાવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.