ભાજપીઓનો રોષ થાળે પાડવા પ્રયાસ:ભાજપમાં વિરોધ ખાળવા આજે પાટીલ હિંમતનગર આવશે

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેરાશૂટ ઉમેદવાર મૂક્યા બાદ ભાજપીઓનો રોષ થાળે પાડવા પ્રયાસ હાથ ધરાશે, આજે વીડી ઝાલાની સાથે રહી ઉમેદવારી પત્ર ભરાવશે

હિંમતનગરમાં સીટીંગ એમએલએનું પત્તું કાપી સ્થાનિક દાવેદારોને નજર અંદાજ કરી ભાજપે પેરેશૂટ ઉમેદવાર ઉતારતા સ્થાનિક ભાજપીઓ અને સંગઠનમાં પારાવાર રોષ પેદા થયો હતો જેને પગલે મંગળવારે ભલે દેખાવ પૂરતા રાજીનામાં પડ્યા હોય પરંતુ ચૂંટાયેલા સદસ્યો, વિવિધ મોરચાના અગ્રણીઓ, કાર્યકરો નો પ્રચંડ રોષ જોયા બાદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હિંમતનગર દોડી આવવા મજબૂર બન્યા છે 17 નવેમ્બર ગુરુવારે ફોર્મ ભરતી વેળા પ્રદેશ પ્રમુખ વી ડી ઝાલાની સાથે રહેનાર હોવાની સંગઠનને જાણ કરી સાનમાં સમજી જવા આડકતરી ચેતવણી આપી દીધી છે જોવું રહ્યું કે કાર્યકરોનો અસંતોષ બુથ મેનેજમેન્ટમાં રિફ્લેક્ટ થાય છે કે નહીં.

સોમવારે સાંજે હિંમતનગર બેઠક પર તલોદ તાલુકામાં વી.ડી.ઝાલાને ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ પ્રત્યાઘાત શરૂ થઈ ગયા હતા અને મંગળવારે સવારે સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટાયેલા સદસ્યો વિવિધ મોરચાના અગ્રણીઓ કાર્યકરોએ મોટી સંખ્યામાં ભાજપ કાર્યાલય પહોંચી ભાજપની કથની અને કરણી અલગ હોવા અંગે આક્રોશ વ્યક્ત કરી રાજીનામાં ધરી દઈ સાંજ સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું ભાજપ માટે ચાર બેઠકની જવાબદારીનું વહન કરતાં રાજસ્થાનના સાંસદ અને કૃષિ મંત્રી કૈલાશ ચૌધરીએ સાંજ સુધીમાં સારા સમાચાર આપવાનું આશ્વાસન પણ આપ્યું હતું

પરંતુ મોડી સાંજ સુધીમાં રાજીનામાં આપનારા અને આશ્વાસન આપનાર મંત્રી બધા ગાયબ થઈ ગયા હતા અને ઘીના ઠામમાં ઘી ઠરી ગયું હતું ભાજપના ચૂંટાયેલા સદસ્યો અને કાર્યકરોના રોષના તીવ્ર પ્રત્યાઘાત કરતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને હિંમતનગર પહોંચી વીડી ઝાલા નું ફોર્મ ભરવા દરમિયાન હાજર રહેવા આદેશ થતા પોતે ગુરુવારે હાજર રહેનાર હોવાની સંગઠનને જાણ કરી હતી. સી.આર.પાટીલની હાજરીને કાર્યકરો ધમકી સ્વરૂપે લે છે કે મદદ માટે આવી રહ્યા નું માને છે તે બુથ મેનેજમેન્ટ સમયે ખબર પડશે પરંતુ એક વાત નક્કી છે કે બધું સમૂ સુતરું નથી એટલે જ પ્રદેશ પ્રમુખને અચાનક હિંમતનગર આવવા મજબૂર બનવું પડ્યું છે.

શહેર સંમેલનમાં નગરપાલિકાના માત્ર સાત જ કાઉન્સિલર હાજર રહ્યા હતા
વીડીઝાલાની હિંમતનગર બેઠક પર ઉમેદવાર તરીકે જાહેરાત થયા બાદ શહેર સંગઠન દ્વારા વીડી ઝાલા ની ઉપસ્થિતિમાં મંગળવારે સાંજે શહેર સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા માર્કેટયાર્ડ ચેરમેન જેઠાભાઈ પટેલ ભાજપા ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ મહામંત્રી વિજયભાઈ પંડ્યા પાલિકા પ્રમુખ યતીનબેન મોદી સહિત પાલિકા ભાજપના 32 પૈકી સાતેક સદસ્યો અને અન્ય ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા મોટાભાગના પાલિકા કાઉન્સિલરોની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી ઉમેદવાર પસંદગી મામલે તેમનો આક્રોશ શમ્યો ન હોવાનો અનુભવ થયો હતો કદાચ આ કારણે જ પાટીલને ગુરુવારે હિંમતનગર આવવા મજબૂર બનવું પડ્યું છે.

ચૂટણીનો આ રંગ પણ - ટિકિટ કપાયા બાદ પણ રાજેન્દ્રસિંહ ચાવડાએ બીજેપીના વીડી ઝાલાને શુકનના રૂ.1.1 લાખ આપ્યા
​​​​​​​ભાજપે સ્થાનિક સક્ષમ દાવેદારોને હાંશીયામાં ધકેલી તલોદ તાલુકાના વી.ડી.ઝાલાને ઉમેદવાર બનાવતા છેલ્લા બે વર્ષથી ભાજપના તમામ કાર્યક્રમોનું આયોજન અને યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનું કામ કરનાર ચાલુ ધારાસભ્યને દુઃખ અને રોષ પેદા થાય તે સ્વાભાવિક છે પરંતુ સત્તાવાર જાહેરાતના ગણતરીના સમયમાં રાજેન્દ્રસિંહ ચાવડાએ વીડી ઝાલાને શુભેચ્છા પાઠવી હતી અને માતાજીની ચુંદડી તથા રૂપિયા 1.11 લાખ શૂકનના આપી પોતે જ ચૂંટણી લડી રહ્યા હોય એવા જુસ્સા સાથે જ પ્રચાર કાર્ય કરવાનો વિશ્વાસ આપી ખેલદિલીનો પરિચય કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...