ટોરડા મંદિરે અષાઢી તોલાઈ:એકંદરે વર્ષ સારુ રહેશે, મનુષ્ય અને પશુઓમાં રોગચાળો વકરવાની શક્યતા

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભિલોડાના ટોરડા સ્વામિનારાયણ મંદિરમાં અષાઢી તોલાઈ - Divya Bhaskar
ભિલોડાના ટોરડા સ્વામિનારાયણ મંદિરમાં અષાઢી તોલાઈ
  • ભિલોડા પંથકના સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી તોલાઇ
  • ઘઉં, મકાઇ, ડાંગર, બાજરી, ચણા, મગમાંં વધારાની સંભાવના

ભિલોડાના ટોરડા ગામના સ્વામિનારાયણ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી તોલાઈ હતી. જેમાં એકંદરે વર્ષ સારુ રહેશે તેમજ મનુષ્યમાં અને પશુમાં રોગચાળો વકરવાની શક્યતા છે તથા ઘઉં, મકાઇ, ડાંગર, બાજરી, ચણા, મગ ના પાકમાં વધારો આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. તમામ ધાનના વજનની વધઘટ પરથી કયા પાકનું ઉત્પાદન વધશે કે ઘટશે તે નક્કી કરાય છે.

ટોરડા ગામના સ્વામિનારાયણ મંદિરમાં મહંત ગોપાલ લાલજી હરિકૃષ્ણ તથા ગોપાળાનંદ સ્વામીના સાનિધ્યમાં મહંત સ્વામી કૃષ્ણપ્રસાદ દાસજી તથા ગામ અને આજુ બાજુના ગામના સર્વે હરિભક્તોની હાજરીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી તોલવામાં આવી હતી. જેમાં આ ઐતિહાસિક પરંપરા અનુસાર અષાઢી પૂર્ણિમાની રાત્રે 11 ધાન્ય પાકોને પાંચ-પાંચ ગ્રામ તોલીને ભગવાનના વસ્ત્રોમાં બાંધી એક માટલીની અંદર મૂકીને માટલીનું મોઢું માતાજીની સાડીથી બંધ કરી ભગવાન-ઠાકોરજીની સમક્ષ મૂકાય છે અને બીજા દિવસે અષાઢ વદ એકમના રોજ ફરીથી આ ધાનનું વજન કરાય છે.

ધાન્યના વજનની વધઘટ પ્રમાણે કેવું ઉત્પાદન થશે તેનો અંદાજ મૂકાય છે. તમામ ધાન બાજરીના કણથી તોલવામાં આવે છે જે ધાન્યનું વજન વધે એ ધાન વધુ પાકે છે. ગુરૂવારે તા.14-07-22 ના રોજ અષાઢી તોલતા ચાલુ વર્ષે એકંદરે સારુ રહેશે તથા મનુષ્ય અને પશુમાં રોગચાળો વકરવાની શક્યતા ના સંકેત મળ્યા છે તદ્દપરાંત ઘઉં, મકાઇ, ડાંગર, બાજરી, ચણા, મગ વધવાના સંકેત મળ્યા છે.

અષાઢીની વધઘટ: પાક મુજબ 11 પાકોની અષાઢી મંદિરમાં તોલાઇ
1.ઘઉં : બાજરીના 12 કણ વધારે
2. મકાઇ : બાજરીના 6 કણ વધારે
3. ડાંગર : બાજરીના 11 કણ વધારે
4. કપાસ : બરાબર
5. બાજરી : બાજરીના 6 કણ વધારે
6. ચણા : બાજરીના 7 કણ વધારે
7. મગ : બાજરીના 5 કણ વધારે
8. અડદ : બરાબર
9. રસક્સ :બાજરીના 11 કણ ઓછા
10.કાળી માટી : બાજરીના 8 કણ ઓછા
11.લાલ માટી : બાજરીના 7 કણ ઓછા

અન્ય સમાચારો પણ છે...