ધરા તરબોળ:સા.કાં.માં 5 વર્ષ બાદ જુલાઇમાં 50%થી વધુ વરસાદ

હિંમતનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2018માં 29 જુલાઇ સુધીમાં 4 વર્ષમાં સૌથી વધુ 38.51 ટકા વરસાદ વરસી ગયો હતો
  • વર્ષ 2017 માં જુલાઇમાં મોસમનો 100 ટકા વરસાદ વરસી ગયો હતો, જિલ્લાની ધરા તરબોળ

સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મેઘો મહેરબાન થતા પાંચ વર્ષ બાદ ચાલુ વર્ષે જુલાઇ માસમાં મોસમનો 50 ટકાથી વધુ વરસાદ વરસી જતાં જિલ્લાની ધરા તરબોળ બની છે. વર્ષ 2017 માં જુલાઈ માસમાં મોસમનો 100 ટકા વરસાદ વરસી ગયો હતો. જે ઉપલબ્ધ માહિતી અનુસાર છેલ્લા 20 વર્ષમાં સૌથી વધુ હતો ત્યારબાદ ચાલુ વર્ષે મોસમનો 50 ટકાથી વધુ એટલે કે 53 ટકા વરસાદ વરસી ગયો છે. જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષના આંકડા જોઇએ તો પ્રતિ વર્ષ જુલાઇ માસમાં સરેરાશ 25 ટકાની આસપાસ વરસાદ વરસે છે.

વર્ષ 2018માં 29 જુલાઇ સુધીમાં ચાર વર્ષમાં સૌથી વધુ 38.51 ટકા વરસાદ વરસ્યો હતો પરંતુ ઓક્ટોબર માસના પૂર્વાર્ધમાં ચોમાસાની વિદાયને પગલે મોસમનો કુલ માત્ર 69 ટકા વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ ત્રણ વર્ષ એટલે કે 2021 સુધી જુલાઇ માસમાં 25 ટકાની આસપાસ વરસાદ નોંધાયો હતો અને નવેમ્બર માસના ઉત્તરાર્ધ સુધી ચોમાસુ લંબાયુ હતું.

જોકે, વર્ષ 2021 માં નવેમ્બર માસ સુધી ચોમાસુ લંબાવા છતા મોસમનો માત્ર 77.96 ટકા વરસાદ નોંધાયો હતો. વર્ષ 2015માં પણ જુલાઈ માસમાં 83 ટકા જેટલો વરસાદ વરસ્યો હતો. પરંતુ ત્યારબાદ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર દરમિયાન માત્ર 33 ટકા વરસાદ નોંધાયો હતો. જ્યારે 2017માં 29 જુલાઈએ મોસમનો સરેરાશ 100 ટકા વરસાદ થવા છતાં બાકીના ત્રણ મહિનામાં માત્ર 29 ટકા વરસાદ વરસ્યો હતો.

આનાથી ઊલટું 2016,18, 19,20 અને 21 માં જુલાઈમાં 25 થી 28 ટકા વરસાદ વરસવા છતાં બાકીના અઢી ત્રણ મહિનાની ચોમાસાની સિઝનમાં 29 ટકાથી 85 ટકા જેટલો વરસાદ નોંધાયો હતો મતલબ એવી કોઈ પેટર્ન જોવા મળતી નથી કે જુલાઈમાં વધુ વરસાદ થાય તો સિઝનનો વરસાદ વધી જાય અથવા જુલાઈમાં ઓછો વરસાદ થાય તો સિઝનનો વરસાદ ઘટી જાય સાબરકાંઠા જિલ્લામાં મોસમનો સરેરાશ 848 મીમી વરસાદ વરસે છે.

ચાલુ વર્ષે 29 જુલાઇ સાંજે 6 કલાક સુધીમાં 499 મીમી વરસાદ એટલે કે મોસમનો 58.90 ટકા સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે. જે પાછલા ચાર વર્ષોની સરખામણીએ બમણાથી વધુ છે. ચાલુ વર્ષે પ્રાંતિજ અને તલોદમાં વરસાદની ખેંચ વર્તાયા બાદ છેલ્લા સપ્તાહમાં નોંધપાત્ર વરસાદ વરસતા રાહતની લાગણી પેદા થઇ છે. જુલાઇના 29 દિવસમાં સા.કાં. જિલ્લામાં મોસમનો 53 ટકા વરસાદ વરસી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...