પેન્શનર્સને થતા અન્યાયને લઈને રેલી યોજાઈ
સાબરકાંઠા જિલ્લામાં EPFOના પેન્શનર્સના અન્યાય અંતર્ગત વર્ષોથી રજૂઆત કરવા છતાં પણ કોઇ નિરાકરણ આવ્યું નથી. ત્યારે બુધવારે હિંમતનગર ખાતે ન્યાય મંદિર પાસેથી રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સાબરડેરી, સાબરકાંઠા બેંક, જિલ્લા ખરીદ વેચાણ સંઘ, એસ.ટી. વિભાગ સહિત મોટી સંખ્યામાં વયોવૃધ્ધ પેન્શનર્સ જોડાયા હતા.
આ અંગે વધુ માહિતી આપતા, આંદોલન સમિતિના કન્વીનર ર્ડા.આર.એસ.પટેલ, સહ કન્વીર મધુકર ખમારે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી પેન્શનર્સ પોતાના પગારમાંથી કપાત કરેલી મોટી રકમ કે જે EPFOમાં જમાં પડી છે અને મીનીમમ રૂપિયા 1 હજાર પેન્શન મેળવે છે. તેમાં વધારો કરવા માટે નેશનલ એગીનેશન કમિટીના અધ્યક્ષ અશોક રાઉતજીના નેતૃત્વમાં આંદોલન કરવામાં આવી રહ્યુ છે અને કેન્દ્ર સરકારમાં વિવિધ સ્થળે રજૂઆતો પણ કરવામાં આવી હોવા છતા પણ હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. સુપ્રિમ કોર્ટના ચુકાદાને આધીન ગણી બાબતોમાં અસમંજસ છે તેને વયોવૃધ્ધ પેન્શનર્સ પાસે આંદોલનનો એક માર્ગ છે. ત્યારે બુધવારે હિંમતનગર ખાતે ન્યાય મંદિર વિસ્તારમાં મહારાજા હિંમતસિંહજીના સ્ટેચ્યુ આગળ મોટી સંખ્યામાં નિવૃત્ત પેન્શનરો એકઠા થયા હતા અને પ્લેકાર્ડ સાથે પોતાની માંગણીને લઈને સુત્રોચ્ચાર કરતા રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
ખેડૂત સવાંદ કાર્યક્રમ યોજાયો...
ઇડર તાલુકાના ડુંગરી ગ્રામ પંચાયતની અને રિલાયન્સ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ સરકારી વિભાગો સાથે જોડાઈને ખેડૂત સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ડુંગરી ગ્રામ પંચાયત રિલાયન્સ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ અગાઉ જળવાયું પરિવર્તનને ધ્યાનમાં રાખીને ચોક્કસ પદ્ધતિસરની પ્રક્રિયા થકી ગ્રામ પંચાયત વિકાસ આયોજન તૈયાર કરવામાં આવ્યું હતું.
ગ્રામ પંચાયત દ્વારા ખેતીમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી તથા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે દિશામાં ડુંગરી ગામના ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તેવા આશયથી સરકારના વિવિધ વિભાગો જેમ કે કે.વી.કે ખેડબ્રહ્મા, આત્મા બાગાયત વિભાગ તથા ખેતીવાડી વિભાગ સાથે જોડાઈને પ્રાકૃતિક ખેતી અને સરકારના વિભાગોની યોજના વિષયક માહિતી અંગે ખેડૂત સવાંદ કાર્યક્રમો હાથ ધરવાનું આયોજનની સાથે ગ્રામ પંચાયતના વિકાસ આયોજન માટે નિર્ધારિત કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે સેવા સહકારી મંડળીના હોલ ખાતે ડુંગરી ગામના 120 જેટલા ખેડૂત ભાઈઓ-બહેનો સહભાગી થઈને પાકૃતિક ખેતીની સાથે સાથે યોજના વિષયક ચર્ચા હાથ ધરવામાં આવી હતી. ડુંગરી સરપંચ જશવંત પટેલ દ્વારા સરકારી વિભાગો, રિલાયન્સ ફાઉન્ડેશનનું અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ગામના ખેડૂત ભાઇઓ-બહેનોનો આભાર માનીને આગામી સમયમાં આઈ ખેડૂત પોર્ટલ પર મોટી સંખ્યામાં યોજનાઓનો લાભ લેવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.
વીજ કંપનીના કર્મચારીઓની યુદ્ધના ધોરણે કામગીરી...
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં ગ્રાહકોની વીજ વિક્ષેપ સંબંધિત ફરિયાદો ઘટાડવા તેમજ અવિરત વીજ પુરવઠો પૂરો પાડવા માટે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા નવી પહેલના ભાગરૂપે હળવા દબાણની લાઈન ઉપર સ્પેસર લગાવવાનું કામ ઝુંબેશના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે.
હળવા દબાણની વીજ લાઈન ઉપર સ્પેસર લગાવવાથી વીજ લાઈનના વાયર ભેગા થવાના બનાવો અટકવાથી ગ્રાહકોને વીજ વિક્ષેપ સંબંધિત ફરિયાદોમાં નોંધપાત્ર ઘટાડો થશે અને અવિરત વીજ પુરવઠો મળતો રહેશે. જિલ્લાના ખેડૂતોને તેમના ખેતરોમાં વીજ મોટરો વારંવાર બળતી અટકે છે. બીજા અકસ્માતો ઘટે છે અને સૌથી મોટો ફાયદો ઉનાળામાં મોટા ભાગે ખેડૂતોના તૈયાર થયેલ ઘંઉનો પાક બળવાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે.
બંને જિલ્લામાં 15 લાખ સ્પેસર લગાવાનો લક્ષ્યાંક છે. જેમાં અત્યાર સુધીમાં 12,80,993 સ્પેસર લગાવવામાં આવ્યા છે. જેથી બંને જિલ્લાની જનતાને લાભ મળે તેમજ ખેડૂતોને થતા પાક નુકસાન અકસ્માત ઘટાડી શકાય જેના માટે ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે.
આયુષ મેળામાં 8 હજારથી વધુ લોકોએ લાભ લીધો...
તલોદમાં કોલેજ રોડ પર આવેલા પાટીદાર બોર્ડિંગ આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મેળામાં 500થી વધુ લોકોએ લાભ લીધો હતો. તો જિલ્લામાં હિંમતનગર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને તલોદમાં યોજાયેલા ચાર આયુષ મેળામાં 8 હજારથી વધુ લોકોએ લાભ લીધો છે.
સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા તથા હિંમતનગર સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયુષ મેળાનું સવારે 9 વાગ્યાથી પ્રારંભ થયો હતો. બપોરે ૩ વાગ્યા સુધી પૂર્ણ થયો હતો. જેમાં વિવિધ પ્રકારના રોગોની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. જેમાં 8 હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો. આ અંગે આયુષ મેળામાં જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય જગદીશ ખરાડી દ્વારા આયુષ મેળા થકી આયુર્વેદ વિષે વિસ્તારમાં માહિતી આપવામાં આવી હતી.
આ આયુષ મેળામાં 8 હજારથી વધુ લાભાર્થીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. તો આયુષ મેળામાં આયુર્વેદ ઓપીડી, હોમિયોપેથી ઓપીડી, યોગ પ્રદર્શન, પંચકર્મ ઓપીડી, રક્ત મોક્ષણ, અગ્નિ કર્મ દ્વારા સારવાર, બાળકો માટે સુવર્ણ પ્રાશન, નાડી પરીક્ષા, સાંધાના રોગો, ડાયાબિટીસના રોગો વગેરે જેવા તમામ પ્રકારના રોગોની વિના મૂલ્યે સારવાર કરવામાં આવી.
તત્વજ્ઞાન વિષયમાં 11,325 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી...
સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 14 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો છે.
આ અંગે શિક્ષણાધિકારી મીતાબેન ગઢવીએ જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષાના બીજા દિવસે ધોરણ-12ના સામાન્ય પ્રવાહના કૃષિ વિજ્ઞાન વિષયમાં ગુજરાતી માધ્યમમાં કુલ 88 વિદ્યાર્થીઓ પૈકી 85 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 3 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે તત્વજ્ઞાન વિષયમાં 11,560 વિદ્યાર્થીઓ પૈકી 11,354 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 206 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમમાં 11,325 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે અંગ્રેજી માધ્યમમાં 29 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.