મોટા દિગ્ગજ કક્ષાના એક ગણિતશાસ્ત્રીએ એક વખત આંકડાઓની બેઠક રાખી હતી, ભેદભાવ વગર તેણે '0 થી 9' સુધીના તમામ અંકોને બોલાવ્યા હતા. 1 થી 9 સુધીના તમામ બેઠકમાં આવ્યાં પણ '0'ના દેખાયો. ગણિતશાસ્ત્રીએ બેઠક શરૂ કરતાં પહેલાં હાજરી લીધી તો ખબર પડી કે '0' ગેરહાજર છે. કોઈએ કહ્યું કે મેં '0'ને આવતા તો જોયો હતો. ગણિતશાસ્ત્રીએ 2 અને 4 ને તપાસ કરવા માટે મોકલ્યાં, 2 અને 4 ગામ બહાર '0' ને શોધવા નીકળ્યાં. એક વૃક્ષ નીચે 0 નિરાશ થઈને બેઠો હતો 2 અને 4 એની પાસે પહોંચી ગયાં અને કહ્યું તને સર યાદ કરે છે,
ચાલ અમારી સાથે '0' એ મિટિંગમાં આવવાની ના પાડી, એટલે 2 અને 4 તેને ટીંગાટોળી કરીને મિટિંગમાં લઈ આવ્યાં. ગણિતશાસ્ત્રીએ 0 ને પૂછ્યું તું કેમ દૂર ભાગતો ફરે છે! મિટિંગમાં આવતો નથી, 0 એ નીચું મોઢું રાખીને કહ્યું, સર! હું શૂન્ય છું, હું કિંમત વિનાનો છું એટલે હું ખૂબ જ અપસેટ છું એટલે મિટિંગમાં હાજર રહેવાથી મને ઘણો ડર લાગતો હતો. ગણિતશાસ્ત્રીએ 0 ને વ્હાલ ભર્યા શબ્દો બોલીને પોતાની પાસે બોલાવ્યો એના માથા પર હાથ ફેરવ્યો અને બાકીના બધા નંબર ને સવાલ પૂછ્યો, આની કિંમત શું છે? બધાએ ભેગા મળીને એક સાથે મોટા અવાજે ઉત્તર આપ્યો શૂન્ય, પછી ગણિતશાસ્ત્રીએ 1 ને ઉભો કર્યો અને પૂછ્યું આની કિંમત કેટલી? બધાએ જવાબ આપ્યો એક, પછી ગણિતશાસ્ત્રીએ 0 પાસે આવીને એને પ્રેમથી કહ્યું બેટા! એકની જમણી બાજુ જઈને તું ઉભો રહીજા,
શૂન્ય એકની જમણી બાજુએ જઈને ઉભો રહી રહ્યો એટલે ગણિતશાસ્ત્રી પૂછ્યું હવે તમે કહો, આની કિંમત શું છે? બધા ફરીથી બુલંદ અવાજે બોલ્યા દસ, હવે ગણિતશાસ્ત્રીએ શૂન્યને સંબોધીને કહ્યું, એકનું પોતાનું એટલું બધું મૂલ્ય નથી, પણ જ્યારે તું આવીને એના પડખે જમણી બાજુ ઉભો રહ્યો તો એનું મૂલ્ય સીધું 10 ઘણું વધી ગયું. તું ધારે તો એકના મૂલ્યને દસ, સો, હજાર, લાખ, કે કરોડ ઘણું પણ કરી શકે, તારી શક્તિ અપરંપાર છે. એ દિવસથી શૂન્યની હતાશા, નિરાશા પાતાળ કૂવામાં પહોંચી ગઈ.
એને સમજાઈ ગયું કે જો તે પોતાની ભૂમિકા યોગ્ય રીતે ભજવે તો એ કલ્પનાથીય અધિક કામ કરી શકે એમ છે. પોતાનું મૂલ્ય અતિમહત્વનું બનાવી શકે છે. આપણે ક્યાં છીએ! કોની સાથે છીએ! કોની સંગતમાં છીએ! એના આધારે આપણી કિંમત અંકાય છે. ચોખા કંકુનો સંગ કરેતો માણસના મસ્તકે સન્માન સાથે સ્થાન મળે છે. જો તે મગની દાળ સાથે દોસ્તી કરેતો ખાવામાં જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.