મંદિરમાં 1008 દીવડાઓનો દિપોત્સવ:વડાલીમાં 51 દીવાની મહાઆરતીનું આયોજન; નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

દેવદિવાળીની રાજ્યભરમાં ધાર્મિક હર્ષોલ્લાસ સાથે પરંપરાગત ઉજવણી થઇ અસુરો પર દેવોનો વિજય અને ક્ષિરસાગરમાંથી ચાર મહિના લાંબા વિરામથી જાગેલા ભગવાન વિષ્ણુના તુલસી સાથેના વિવાહ સહિત દેવો માટે ઉજવવાનું પર્વ એટલે દેવ દિવાળી.

દેવ દિવાળી નિમિત્તે સાબરકાંઠા જિલ્લા સહિત તાલુકાના મોટાભાગના મંદિરોમાં મોડી રાત્રે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ આ ચાલુ વર્ષે દેવ દિવાળીના પાવન પર્વ પર ચંદ્ર ગ્રહણને લઈ મંદિર બંધ હોવાના કારણે સવારના તમામ કાર્યક્રમો થયા ન હતા. વડાલી શહેરના માણેકચોક વિસ્તારમાં આવેલા રૂપચતુર્ભુજ મંદિર ખાતે કારતક સુદ પૂનમને દેવ દિવાળીની મોડી રાત્રે 1008 દિવડાનો દિપોત્સવ અને 51 દિવાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મંદિર પરિસરમાં સુંદર મજાના અવનવા પ્રકારના દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ મોડી રાત્રે ચંદ્ર ગ્રહણનો વેધ ઉતરતાની સાથે જ મંદિરના દ્વાર ખુલ્લા કર્યા બાદ બ્રાહ્મણ દ્વારા પૂજા-વિધિ બાદ 51 દિવાની મહાઆરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરના ભાવિ ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ દિપોત્સવથી શણગારેલા નયનરમ્ય દ્રશ્ય સાથે નાના બાળકોથી માંડીને મોટેરાઓએ આ દ્રશ્યોને પોતાના મોબાઈલ ફોનમાં કંડારી લીધા હતા અને યુવાનો તેમજ ભાઈઓ-બહેનો દિપોત્સવની રોશન સાથેની સેલ્ફી લેવાનું ચૂક્યા ન હતા. આ દિપોત્સવ અને 51 દીવાની મહાઆરતીનું આયોજન રૂપચતુર્ભુજ મંદિર નવ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું અને દાતાઓના સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...