પ્રાકૃતિક ખેતીનું મહત્વ:હિંમતનગરમાં પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું; આચાર્ય દેવવ્રતજીએ 1.5 કલાક ખેડૂતોનો ક્લાસ લીધો

સાબરકાંઠા (હિંમતનગર)23 દિવસ પહેલા

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં ગુરુવારે કાંકરોલ પાસેના સ્વામીનારાયણ મંદિરના યજ્ઞપુરુષ હોલમાં પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલનમાં યોજાયું હતું. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. અને દોઢ કલાક જીલ્લાના ખેડૂતોનો ક્લાસ લઈને પ્રાકૃતિક ખેતી વિષે સંવાદ કરી તેના ફાયદા વિષે ઊંડી સમજ આપી હતી.

હિંમતનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલનમાં દેવવ્રતજીએ ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ગુજરાતે પ્રત્યેક ગામમાંથી 75 ખેડૂતોને આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાના સંકલ્પ સાથે જન અભિયાન ઉપાડ્યું છે. આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ગ્રસ્ત છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો 24% ફાળો છે, તેવુ નિષ્ણાતો માની રહ્યાં છે. રાસાયણિક કૃષિના કારણે જળ, જમીન અને પર્યાવરણ દૂષિત થઈ રહ્યું છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે જમીનનો ઓર્ગેનિક કાર્બન સતત ઘટી રહ્યો છે. જમીનની ફળદ્રુપતા સતત ઘટવાને કારણે જમીન બિન ઉપજાઉ બની ગઈ છે.

રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કાંકરેજ અને ગીર જેવી દેશી ગાયના 1 ગ્રામ છાણમાં 3 કરોડ જેટલા સૂક્ષ્મ જીવો હોય છે. ગૌમુત્ર ખનીજનો ભંડાર છે. દેશી ગાયના છાણ અને ગૌમુત્ર, દાળનું બેસણ, ગોળ, માટીના પાણીમાં બનાવેલા મિશ્રણથી જીવામૃત તૈયાર કરવામાં આવે છે. આ જ રીતે પાણીની ઓછી માત્રાથી ઘન જીવામૃત બનાવવામાં આવે છે. જીવામૃત અને ઘનજીવામૃત એક કલ્ચર તરીકે કાર્ય કરે છે. જે પ્રાકૃતિક ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે એક દેશી ગાયની મદદથી 30 એકર જેટલી જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે.આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ કરતા સાબરકાંઠા જિલ્લાના 'ખેડૂતોની સાફલ્યગાથા' પુસ્તકનું વિમોચન રાજ્યપાલે અને મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ પેદાશોના ઉત્પાદનના સ્ટોલ આ પ્રસંગે લગાવવામાં આવ્યા હતા.અને આ પ્રસંગે અન્ન નાગરીક પુરવઠા રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદ દિપસિંહ રાઠોડ,કિસાન સંગઠનના અગ્રણીઓ, ખેડૂત ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...