ચૂંટણી:ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપનો એક બળવાખોર જીત્યો અને એક હાર્યો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખરીદવેચાણ સંઘની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોએ વિજયોત્સવ મનાવ્યો - Divya Bhaskar
ખરીદવેચાણ સંઘની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોએ વિજયોત્સવ મનાવ્યો
  • સાબરકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં 76 ટકા જેટલું મતદાન નોંધાયું
  • ભાજપના મેન્ડેટનો અનાદર કરનારા તલોદ પાલિકાના કાઉન્સિલર બાબુભાઇ પટેલ જીત્યા અને વડાલી ઝોનમાંથી ઉભા રહેલ બાંધકામ સમિતિના ચેરમેન કાંતિભાઇ પટેલને હાર મળી

સાબરકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘની વ્યક્તિ ડેલિગેટની 4 અને બંને જિલ્લાના 13 ઝોન પૈકી 7 ઝોનની રવિવારે યોજાયેલ ચૂંટણીમાં 76 ટકા જેટલું મતદાન થયું હતું અને દરેક ઝોનમાં મહત્તમ 50 મતદાર હોવાથી રિસોર્ટ પોલિટિક્સને કારણે અન્ય ઉમેદવારોમાં અસંતોષ જોવા મળ્યો હતો. ઈડરના બંને ઝોનમાં મતદારોએ માત્ર 15 ટકાની આસપાસ મતદાન કરી નિરસતા જાહેર કરી હતી.

આ ચૂંટણીમાં સૌથી મહત્વની બાબત જોવા જઇએ તો ભાજપના મેન્ડેટનો અનાદર કરનાર બે પૈકી એકનો વિજય થયો હતો જ્યારે એકને હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં બળવો કરનાર તલોદ પાલિકાના કાઉન્સિલર બાબુભાઇ પટેલનો વિજય થયો હતો અને વડાલી ઝોનમાંથી ઉભા રહેલા અને બાંધકામ સમિતિના ચેરમેન કાંતિભાઇ પટેલને હાર મળી હતી.

રવિવારે યોજાયેલ સાબરકાંઠા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીની વિગતે એવી છે કે 13 ઝોન પૈકી હિંમતનગર-1, બાયડ-1, ભિલોડા, મોડાસા, ધનસુરા અને ખેડબ્રહ્મા ઝોનના 6 ઉમેદવારો બિનહરીફ થવામાં સફળ રહ્યા હતા. અ વર્ગના વ્યક્તિ સભાસદ તરીકે હિંમતનગરના વામોજના બાબુભાઈ અમિતભાઈ પટેલ, પ્રાંતિજના અંબાવાડાના મણીભાઈ ઇશ્વરભાઇ પટેલ અને લલિતકુમાર મંગળદાસ પટેલ તથા હિંમતનગરના હડિયોલના હસમુખભાઈ ચીમનભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા હતા.

જ્યારે હિંમતનગર-2 માં સંજયકુમાર બાબુલાલ પટેલ ઈડર-1માં રાજેન્દ્રકુમાર અમૃતભાઈ પટેલ ઈડર-2માં હરિભાઈ દલજીભાઈ પટેલ બાયડ-2 માં ગોપાલભાઈ મોહનભાઈ પટેલ વડાલીમાં જયંતીભાઈ વીરચંદભાઈ પટેલ પ્રાંતિજમાં દિનેશભાઈ વરવાભાઈ પટેલ અને તલોદ ઝોનમાં ભાજપના મેન્ડેટને અવગણી ચૂંટણી લડનાર બાબુભાઈ ગોપાળભાઈ પટેલ આપબળે જીતીને આવ્યા હતા. ભાજપ માટે આ સૌથી મોટો સેટ બેક બની રહ્યો હતો. તેવી જ રીતે ઈડરના બંને ઝોનમાં મતદાન નહિવત થયું હતું.

જ્યારે હિંમતનગર- 1 ઝોનમાં જેઠાભાઈ પ્રભુદાસ પટેલ, બાયડ-1 માં બાબુભાઈ મથુરભાઈ પટેલ, ભિલોડામાં ભીખાભાઈ કોયાભાઈ પટેલ મોડાસામાં હસમુખભાઈ દયાળજીભાઈ પટેલ, ધનસુરામાં જગદીશભાઈ શામજીભાઈ પટેલ અને ખેડબ્રહ્મામાં જશુભાઈ જગુભાઈ પટેલ અગાઉ જ બિનહરીફ જીતેલા જાહેર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...