સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર ગામે અસ્થિર મગજનો વૃદ્ધ ગામ પાસે આવેલ 150 ફુટ ઊંડા અવાવરું કુવામાં પડ્યો હતો. અવાજ સાંભળતા ગામલોકો કુવા પાસે દોડી ગયા હતા. તો પ્રાંતિજ-હિંમતનગર ફાયર ટીમ દ્વારા દોડી આવી ઈજાગ્રસ્ત વૃદ્ધને બહાર કાઢ્યો હતો અને 108માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બીજી બાજુ પ્રાંતિજના સદાના મુવાડા ગામેથી પોલીસે વિદેશી દારૂનું રૂ.૧૦૦ના કમિશન ઉપર વેચાણ કરનાર શખ્સને 36 બોટલ વિદેશીદારૂ સાથે ઝડપી લીધો હતો અને પ્રાંતિજ પોલીસે ઝડપાયેલા શખ્સ સાથે અન્ય ત્રણ મળી 4 સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
તાજપુરમાં 150 ફુટ ઊંડા અવાવરું કુવામાં વૃધ્ધ પડ્યો
તાજપુર ખાતે રહેતો અસ્થિર મગજનો મકવાણા બાદરજી ફતાજી શનિવારના બપોરના પોતાના ઘરેથી ફરતા ફરતા નિકળી ગયો હતો. સાંજ સુધી તે ઘરે ના આવતા પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથધરી હતી. પુછપરછ દરમિયાન બાદરજી મકવાણા કુવા પાસે ઉભેલો જોવા મળ્યો હતો. જેથી રાત્રીના સમયે ગ્રામજનો તથા પરિવારના લોકો કુવા પાસે શોધખોળ કરવા ગયા હતા. ત્યા બુમાબુમ થતા કુવામાંથી વૃદ્ધનો અવાજ આવ્યો હતો અને જેને લઈ પ્રાંતિજ ફાયર ટીમને જાણ કરી હતી. જેથી પ્રાંતિજ હિંમતનગર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બીજી તરફ પ્રાંતિજ પોલીસને પણ જાણ થતા તે પણ દોડી આવ્યા હતા અને રાત્રે ઠંડીમાં 150 ફૂટ ઊંડા અવાવરું કુવામાં પડેલા વુદ્ધને ત્રણ કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢી 108 મારફતે સારવાર અર્થે પ્રાંતિજ અને ત્યાંથી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
36 બોટલ વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો
પ્રાંતિજ પોલીસ મજરા ત્રણ રસ્તા ખાતે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન સદાના મુવાડા ગામનો અનિલસિંહ ઉર્ફે મદારી જગતસિંહ રાઠોડ સદાના મુવાડા ગામની સીમમા આવેલા લેબોજ નામના ખેતર નજીક બેસી વિદેશી દારૂનો કમિશન ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે પંચો સાથે જગ્યા પર પહોંચી ગઈ હતી. જેથી પોલીસને જોતા શખ્સ પ્લાસ્ટિકની કોથળી લઈને ભાગવા જતા ઝડપી પાડ્યો હતો.
પૂછપરછ કરતા તેનું નામ અનિલસિંહ ઉર્ફ મદારી જગતસિંહ રાઠોડ હોવાનુ જણાવ્યું હતું. પોલીસ દ્વારા તેને દારૂ ક્યાંથી લાવે છે પુછતા તેને રાહુલ સિંહ ઉર્ફે રાકેશ વેચાતસિંહ રાઠોડ, રામસિંહ ભરતસિંહ રાઠોડ તથા ચેતનસિંહ ઉર્ફે ટીનો પ્રહલાદસિંહ રાઠોડ બધા ભેગા મળી તેને એક બોટલ પાછળ 100 કમિશન આપતા હોવાનું જણાવ્યું હતુ. આરોપી પાસેથી ખેતરમાંથી સંતાડેલી બોટલ તથા તેની પાસેથી રૂ 12,468ની 36 બોટલ તથા મોબાઇલ નંગ-1 જેની કિંમત-3000 મળી રૂ 15,468નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે ઝડપાયેલા શખ્સ અને અન્ય ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.