નોટિસ:હિંમતનગરના પાંચ અને તલોદ તાલુકાના 9 વીસીઈને છૂટા કરવાની ચીમકી સાથે નોટિસ

હિંમતનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીસીઈ સામે કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ ન કરી કામમાં નિષ્કાળજી દાખવતા નોટિસ

સરકારી યોજનાઓના અમલીકરણમાં પાયાનું કામ કરતા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો 8 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરતા પંચાયતોની તમામ કામગીરી ખોરવાઈ ગઈ છે. ચાલુ મહિનામાં 25 સપ્ટેમ્બરે પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો જમા કરાવવાનો છે ત્યારે ફોર્મ વેરિફિકેશન ઘોંચમાં પડ્યું છે.

આવી સ્થિતિમાં તંત્ર દ્વારા પણ કામગીરી કરાવવા માટે દબાણ થઈ રહ્યું છે હિંમતનગર ટીડીઓએ 5 અને તલોદ ટીડીઓએ 9 વીસીઇને નોટિસ આપી છે કે પીએમ કિસાન વેરિફિકેશન બાબતે તા. 05-09-22 સુધીમાં કામગીરી પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચના અપાઇ હોવા છતાં અને કામગીરી પૂર્ણ કરવા વિવિધ માધ્યમોથી સતત સૂચના આપવા છતાં કામગીરી પૂર્ણ કરી નથી અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ ન કરવા ટેવાયેલા તથા વડી કચેરીના આદેશોનું પાલન ન કરવાની મનોવૃત્તિ ધરાવતા હોવાનું ફલિત થઈ રહ્યું હોવાથી તમને છૂટા કેમ ન કરવા તેની તા.12-09-22 ના રોજ 11 કલાકે કચેરી ખાતે હાજર થઈ સ્પષ્ટતા કરવી અને સ્પષ્ટતા ન કરવાની સ્થિતિમાં તમારે કંઈ કહેવાનું રહેતું નથી તેમ માનીને એકતરફી છૂટા કરી દેવાશે.

વીસીઇને દબાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે
રાજ્ય વીસીઈ મંડળના પ્રમુખ મનહરસિંહ ઝાલાએ જણાવ્યું કે વીસીઈને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ગાંધી ચીંધ્યા માર્ગે અમારી માગણીઓના નિરાકરણ માટે પ્રયાસ કરી રહ્યા છીએ. સોમવારે જિલ્લાના તમામ વીસીઈ કચેરી ખાતે પહોંચી રજૂઆત કરીશું અને અમારી માંગને બુલંદ બનાવીશું.

વીસીઈની કામગીરી કરવા ગ્રામ સેવકો સહમત
ગુજરાત રાજ્ય ગ્રામ સેવક મહામંડળના પ્રમુખ રોહિતદાન ગઢવીએ જણાવ્યું કે ખેડૂતોનું હિત જળવાય અને સરકારી કામગીરીમાં વિક્ષેપ ન આવે તે હેતુસર તમામ ગ્રામ સેવકો કામગીરી કરવા માટે સંમત થયા છે અને પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો ખેડૂતોને સમયસર મળી રહે તે માટે વેરિફિકેશન કામગીરી કરવા ગ્રામ સેવકો મક્કમ છે.

અન્ય સમાચારો પણ છે...