હિંમતનગર બેઠક પર પાટીદાર ઉમેદવારની પસંદગી ન કરાયા બાદ રોષે ભરાયેલ પાટીદાર સમાજને મનાવવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને પાટીદારોને સંબોધતાં આગવા અંદાજમાં સારા માણસનો હાથ પકડવા અને સારા માણસ સાથે ફરવા જણાવ્યું હતું. હિંમતનગર બેઠક પર જે રીતે ઘટનાક્રમ આગળ વધી રહ્યો છે તે જોતા ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યાનું જણાઇ રહ્યું છે. નિતીન પટેલે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનું નામ ન લેતાં કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો હતો.
હિંમતનગર બેઠક માટે પાટીદાર સમાજ દ્વારા થોડા અરસા અગાઉ પાટીદાર ઉમેદવારને તક આપવાની માંગણી કરી ચીમકી ઉચ્ચાર્યા બાદ પણ ભાજપે માંગણી ન સંતોષતા પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને ચૂંટણીમાં પાટીદાર સમાજ સબક ન શીખવાડે તેના ડેમેજ કંટ્રોલ માટે મંગળવારે ભાજપના ઉમેદવાર વીડી ઝાલાની ઉપસ્થિતિમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ફાયર બ્રાન્ડ પાટીદાર નેતા નીતિન પટેલને પાટીદાર સમાજની મનાવવા મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા
હિંમતનગરના ખેડતસિયા રોડ ઉપર ઉત્સવ પાર્ટી પ્લોટમાં આયોજિત પાટીદાર સમાજની જનસભામાં તેમણે જણાવ્યું કે પાટીદાર સમાજે સારા માણસોનો હાથ પકડવો જોઈએ અને સારા માણસ સાથે ફરવું જોઈએ તેમના ભાષણ દરમિયાન વિકાસની વાતો કરી હતી તેમણે કહ્યું કે જ્યારે પણ પ્રફુલ પટેલે હિંમતનગર શહેરના વિકાસની વાત કરી હતી અને જે કોઈપણ કામ હતા તે મેં તરત જ મંજૂર કરી દીધા હતા. પ્રફુલભાઈએ શહેરના વિકાસ માટે સારું કર્યું છે અહીંની જનતાએ પ્રફુલભાઈ પટેલને જીતાડ્યા હોત તો હિંમતનગર શહેર ગુજરાતના પ્રથમ ત્રણ શહેરોમાં આવી જાય એટલો વિકાસ થયો હોત.
શહેરની આસપાસ આવેલ 18 સિરામિકો પૈકી 15 સીરામીકો બંધ જેવી હોવા છતાં તેમણે જણાવ્યું હતું કે હિંમતનગર સિરામિકના શહેર તરીકે ઓળખાય છે એમણે જેઠાભાઇ પટેલને પણ યાદ કર્યા હતા પરંતુ ભાજપના હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનું નામ લીધું ન હતું જેની પણ ભાજપ કાર્યકરોએ નોંધ લઈ ગણગણાટ શરૂ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.