ઈડરના નવા રેવાસના ખેડૂત મુકેશભાઈ દેવજીભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી થકી ચાર એકર જમીનમાંથી વાર્ષિક 6.55 લાખ જેવો નફો કરતા થયા છે. મુકેશભાઈ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતીની શરૂઆત માટે તેમણે 2016માં પાંચ દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમ લઈ પ્રારંભ કર્યો હતો. રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીનમાં રહેલ સૂક્ષ્મ જીવો અને ઓર્ગેનિક કાર્બન ઓછા થાય છે જેના કારણે જમીન કઠણ થઈ પાણી શોષવાની ક્ષમતા ગુમાવે છે. ખાતરો અને દવાઓનો ખર્ચ વધુ, ખેતીમાં રોગનો ઉપદ્રવ વધુ રહે છે. પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે.
ત્યારથી ખર્ચ ઓછો થયો છે ઉત્પાદન અને નફો વધુ થયો છે. ખેત પેદાશોના ભાવ ઊંચા મળવા લાગ્યા છે અને સૌથી મોટું મહત્વનું કે પાણીની જરૂરિયાત ઓછી થવા લાગી છે. પ્રાકૃતિક ખેતીમાં અળસિયા જમીનમાં વધવાને કારણે જમીન પોચી બને છે અને પાણી સંગ્રહની ક્ષમતા વધે છે. તેઓ ડ્રીપ ઇરીગેશનથી જ ખેતી કરે છે. છોડને ભેજની જરૂર છે પાણીની નહીં.
હાલમાં તેઓ હળદર, આદુ, તુવેર, મરચી, કપાસ જેવા મિશ્ર પાક એક સાથે કરે છે. બીજા એક ખેતરમાં ચણા, કોબીજ, વટાણા,પરવર સાથે કર્યા છે. જેથી ઉત્પાદન એક પછી એક ચાલુ જ રહે અને એક પાકની સિઝન પૂરી થતાં સાથે જ બીજા પાકની સિઝન શરૂ થવાથી આવક ચાલુ જ રહે છે. તેમજ દ્વિદળ વનસ્પતિના કારણે પાકને જરૂરી નાઇટ્રોજન મળે છે જેથી બહારથી આર્ટિફિશિયલ નાઇટ્રોજન આપવાની જરૂર રહેતી નથી.
પ્રાકૃતિક ખેતી દ્વારા થતી ખેતપેદાશોનું મૂલ્ય વર્ધન કરી જાતે જ માર્કેટિંગ કરીને વેચાણ કરે છે. જેમાં ઘઉં, ચણા, બટાકા, મગફળી, હળદર, વગેરે પાકોનું તેઓ વાવેતર કરી ઉત્પાદન મેળવે છે. ગાયના ગૌમૂત્ર તેમજ ગોબરમાંથી જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર, તેમજ દસપર્ણી અર્ક અને ફૂગનાશક માટે દેશી ગાયના દૂધની છાશનો ઉપયોગ કરે છે.
પ્રાકૃતિક ખેતીમાં 7.50 લાખની આવક થઈ
કેમિકલ આધારિત ખેતીમાં આવક 5 લાખ થતી જેમાં ખર્ચ 1.80 લાખ અને નફો 3.20 લાખ જેવો મળતો હતો. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ માત્ર મજૂરીનો થાય છે.ખાતરો કે દવાઓ બહારથી લાવવા નથી પડતા. પ્રાકૃતિક ખેતીમાં 7.50 લાખની આવક થઈ છે જેની સામે મજૂરી અને ખેડામણ માટે 95 હજાર જેવો ખર્ચ થયો છે જેથી નફાનું પ્રમાણ વધી 6.55 લાખ થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.