હિંમતનગરના સાકરોડીયા ગામ નજીક કેનાલમાંથી પાણી ઉભરાયું હતું. જે પાણી આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું. જેને લઈને ખેડૂતોએ હિંમતનગર સિંચાઈ વિભાગમાં રજૂઆત કરી હતી અને તાત્કાલિક સર્વે કરી નુકશાની વળતરની માંગ કરી હતી.
15થી વધુ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યું
સાબરકાંઠા જીલ્લાના હાથમતી જળાશયમાંથી કેનાલમાં રવિ સીઝન માટે પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે હિંમતનગરના સાકરોડીયામાં સબ માયનોર કેનાલમાં પાણી વધુ આવતા કેનાલ આસપાસના 15થી વધુ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું. જે અંગેની જાણ ખેડૂતોને થતા તાત્કાલિક ખેતરે પહોચ્યા હતા. આ ઘટનાથી 25થી વધુ એકરમાં બટાકા, ઘઉં, એરંડા, ચણાનું વાવેતર કર્યું હતું, જે ખેતરમાં પાણી ફરી વળતા પાકમાં નુકશાન થવા પામ્યું છે.
નુકશાનીનું તાત્કાલિક સર્વે કરી વળતરની માગ
આ અંગે સાકરોડીયા ગામના ખેડૂત ભાવેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કેનાલમાંથી પાણી ખેતરમાં ફરી વળતા નુકશાન થવા પામ્યું છે. તો મારે ચાર એકરમાં ઘઉંનું વાવેતર કર્યું હતું અને ઘઉંના માંડ ફણગા જ ફૂટ્યા હતા, ત્યારે કેનાલનું પાણી ફરી વળતા નુકશાન થવા પામ્યું છે. તો આ અંગે અમે બધા ખેડૂતોએ હિંમતનગર સિંચાઈ વિભાગમાં નુકશાનીનું તાત્કાલિક સર્વે કરી વળતરની માંગણી કરી હતી.
સર્વે કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે
આ અંગે હિંમતનગર હાથમતી સિંચાઈના નાયબ કાર્યપાલક ઈજનેર ડી.કે.પટેલે જણાવ્યું હતું કે, ઘટના અંગે જાણ થઇ છે, ત્યારે પાણી ફરીવળવાને લઈને જે ખેડૂતોને નુકશાન થયું હશે, તો સર્વે કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.