અર્બુદા સેનાનું જેલ ભરો આંદોલન:હિંમતનગરમાં 50થી વધુ કાર્યકરોને ડિટેન કરાયા, વિપુલ ચૌધરીને મુક્ત કરવાની માગ સાથે કલેક્ટરને આવેદન

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તો બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી પૂર્વ ગૃહ મંત્રી તેમજ દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અટકાયતના પગલે ગુજરાતમાં ચૌધરી સમાજ આજથી આકરા પાણીએ નજરે આવ્યો છે. જેમાં ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠામાં જિલ્લા કલેકટરની આવેદનપત્ર આપી આજથી જેલ ભરો આંદોલનની શરૂઆત કરવામાં આવી છે.

વિપુલ ચૌધરીને તાત્કાલિક ધોરણે મુક્ત કરવાની માગ
ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં અર્બુદા સેનાના સ્થાપક તેમજ પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અટકાયતના વિરોધમાં આજથી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જેલભરો આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યા બાદ જેલભરો આંદોલનની શરૂઆત કરવા જતા 50થી વધારે કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી. તમામ અર્બુદા સેનાના કાર્યકરોને બી ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયા છે. જોકે છેલ્લા કેટલાક સમયથી સાબરકાંઠા જિલ્લામાં અર્બુદા સેના દ્વારા વિવિધ કાર્યક્રમો આપી પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીને તાત્કાલિક ધોરણે મુક્ત કરવાની માંગણી કરવામાં આવી છે.

આગામી સમયમાં સરકાર પરિણામ ભોગવવા તૈયાર રહેઃ શૈલેષ પટેલ
આજે સાબરકાંઠા જિલ્લા કલેકટરની આવેદનપત્ર આપ્યા બાદ સાબરકાંઠા જિલ્લાના અર્બુદા સેનાના પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં દિવાળી જેલમાં ઉજવવા માટે અર્બુદાના સૈનિકો તૈયાર છે. તેમજ આજે પ્રતિનિધિ સ્વરૂપ શરૂ થયેલા જેલ ભરો આંદોલન અંતર્ગત આગામી સમયમાં બે લાખ જેટલો સમાજ દિવાળી તેમજ બેસતુ વર્ષ જેલમાં ઉજવવા તૈયાર છે. જોકે સરકાર આ મામલે તાત્કાલિક ધોરણે વિપુલ ચૌધરીની મુક્ત નહીં કરે તો આગામી સમયમાં તેના પરિણામો ભોગવવા તૈયાર રહે તે નક્કી છે.

અન્ય સમાચારો પણ છે...